


પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.)વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ પોરબંદર તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં કાર્યરત અમૃત આહાર મોલની મુલાકાત લઈને ત્યાં ઉપલબ્ધ પ્રાકૃતિક અને આરોગ્યવર્ધક ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન મંત્રીએ વિવિધ પ્રાકૃતિક ઉત્પાદનોની ખરીદી કરીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને સ્થાનિક પ્રાકૃતિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.
મંત્રીએ જણાવ્યું હતું કે આજના સમયમાં સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક અને રાસાયણમુક્ત ઉત્પાદનોનો ઉપયોગ વધારવાની જરૂર છે. આવા ઉત્પાદનો માત્ર વ્યક્તિના આરોગ્ય માટે જ નહીં, પરંતુ પર્યાવરણના સંરક્ષણ અને સ્થાનિક ઉત્પાદકોના સશક્તિકરણ માટે પણ મહત્વપૂર્ણ છે.
અમૃત આહાર મોલમાં ઉપલબ્ધ પ્રાકૃતિક ઉત્પાદનો અંગે માહિતી મેળવી મંત્રીએ તેના ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને લોકોમાં વધતી જાગૃતિની પ્રશંસા કરી હતી. તેમણે નાગરિકોને શક્ય તેટલો પ્રાકૃતિક ઉત્પાદનોનો ઉપયોગ કરવા તેમજ સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી.
આ મુલાકાત દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઇ કેશવાલા, તાલુકા વિકાસ અધિકારી મુસાભાઈ, અગ્રણી રામદેભાઈ ઓડેદરા સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya