'ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા' અભિયાન અંતર્ગત મનપા દ્વારા 50 સ્થળોએ, સામૂહિક વૃક્ષારોપણ સંપન્ન
- કોલવડા સહિત વિવિધ સ્થળોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે રોપા વવાયા ગાંધીનગર, 12 જુલાઈ (હિ.સ.) : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ''ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા'' બનાવવાના સંકલ્પને સાકાર કરવા તેમજ ''એક પેડ માઁ કે નામ''
સામૂહિક વૃક્ષારોપણ


સામૂહિક વૃક્ષારોપણ


સામૂહિક વૃક્ષારોપણ


સામૂહિક વૃક્ષારોપણ


- કોલવડા સહિત વિવિધ સ્થળોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે રોપા વવાયા

ગાંધીનગર, 12 જુલાઈ (હિ.સ.) : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ 'ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા' બનાવવાના સંકલ્પને સાકાર કરવા તેમજ 'એક પેડ માઁ કે નામ' અભિયાન અંતર્ગત આજે ૧૨મી જુલાઈના રોજ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ૫૦ જેટલા સ્થળોએ સામૂહિક વૃક્ષારોપણનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો છે. આ વ્યાપક અભિયાનનો મુખ્ય કાર્યક્રમ સવારે કોલવડા સ્થિત ગોરા હનુમાન મંદિર ખાતે મેયર મીરાબેન પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ અભિયાન થકી સમગ્ર શહેરને ફરીથી આંબાવાડિયા તરીકે પ્રસ્થાપિત કરવા અને પર્યાવરણને વધુ શુદ્ધ બનાવવાની દિશામાં સઘન આયોજન હાથ ધરીને શહેરના નિર્ધારિત વિસ્તારોમાં વ્યાપક સ્તરે રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.

કોલવડા ખાતે યોજાયેલા આ મુખ્ય કાર્યક્રમમાં, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, શાસક પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા, દંડક સેજલબેન પરમાર અને મ્યુનિસિપલ કમિશનર જે. એસ. પ્રજાપતિ સહિત નાયબ મ્યુનિસિપલ કમિશનરઓ, અધિકારીઓ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ગાયત્રી પરિવાર અને ઇસ્કોન સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા, કોલવડા ગોરા હનુમાન મંદિર તેમજ અન્ય તમામ ૫૦ સ્થળોએ ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન અને વૃક્ષપૂજન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવો, કોલવડા આયુર્વેદિક કોલેજના છાત્રો તેમજ ઉપસ્થિત નાગરિકો દ્વારા એકસાથે સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિશેષરૂપે ગોરા હનુમાન મંદિર ખાતે વન કૃપા ફાઉન્ડેશનના સહયોગથી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ૧૨,૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં ૬,૦૦૦ જેટલા આંબા, ૨,૦૦૦ જેટલી બોરસલી, ૨,૦૦૦ જેટલી સીતાફળ તેમજ અન્ય વિવિધ પ્રજાતિના વૃક્ષોનો સમાવેશ થાય છે.

શહેરના વિવિધ સ્થળો પર ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ, પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો, સીઆરપીએફના જવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક આ સામૂહિક વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોને વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સૌએ વાવેલા વૃક્ષોના નિયમિત જતન માટેની સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી. નાગરિકોને ઘરઆંગણેથી જ આ ઝુંબેશમાં જોડવા માટે મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા ત્રણ વૃક્ષ-રથ મારફતે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ અભિયાનને સફળ બનાવવા બદલ તમામ નગરજનો અને સંસ્થાઓનો આભાર વ્યક્ત કરી, વાવેલા વૃક્ષોનું યોગ્ય જતન કરી ગાંધીનગરને ભારતના સૌથી લીલાછમ અને આદર્શ શહેર તરીકે વિકસાવવામાં યોગદાન આપવા અપીલ કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande