


વડોદરા , 12 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટનાએ, માર્ગ સલામતી અને બેદરકાર વાહનચાલકો સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા કારચાલકે, બાઈકચાલકને જોરદાર ટક્કર મારી ફરાર થઈ જતાં ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.
વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, અજાણ્યા કારચાલકે પૂરપાટ ઝડપે બાઈકચાલકને અડફેટે લેતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈકચાલક રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માત સર્જ્યા બાદ માનવતા ભૂલી, કારચાલક કોઈપણ પ્રકારની મદદ કર્યા વિના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બીજી તરફ, ઘટનાની જાણ ગોત્રી પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી આસપાસના CCTV કેમેરાના ફૂટેજના આધારે ફરાર કારચાલકને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
હિટ એન્ડ રનની વધતી જતી ઘટનાઓ વચ્ચે, હવે સૌની નજર પોલીસની તપાસ પર છે કે ફરાર કારચાલક ક્યારે કાયદાના શિકંજામાં આવશે. માર્ગ પર બેદરકારી માત્ર અકસ્માત નહીં, પરંતુ નિર્દોષ લોકોના જીવ માટે પણ મોટું જોખમ બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ