
મહેસાણા, 12 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વિસનગર APMC ખાતે રવિવારે ભારત સરકારની એડીપ (ADIP) યોજના હેઠળ નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. લોકસભા સાંસદ હરિભાઈ પટેલના પ્રયાસોથી ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO), અમદાવાદ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત આયોજનમાં યોજાયેલા કેમ્પમાં ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને 323 દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. 48 લાખથી વધુ કિંમતના વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું.
કેમ્પમાં ટ્રાયસિકલ, ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ, વ્હીલચેર, સ્માર્ટફોન, હિયરિંગ એડ, સ્માર્ટ કેઇન, વોકર, બ્રેઇલ કિટ, સીપી ચેર અને ટીચિંગ-લર્નિંગ મટિરિયલ્સ સહિતના સાધનો લાભાર્થીઓને અર્પણ કરાયા. આ કેમ્પનો હેતુ દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવી તેમના દૈનિક જીવનને વધુ સરળ બનાવવાનો છે.ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગરીબ, વંચિત અને છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે જિલ્લામાં 1739 દિવ્યાંગોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 1000 માટે ભારત સરકારે સાધનો મંજૂર કર્યા છે, જ્યારે બાકીના 739 લાભાર્થીઓને UGVCLના CSR ફંડમાંથી સહાય આપવામાં આવશે.
લોકસભા સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું કે દિવ્યાંગોને સમાજમાં સમાન તક અને ગૌરવપૂર્ણ જીવન મળે તે સરકારની પ્રાથમિકતા છે. તેમણે ઉમેર્યું કે મહેસાણા લોકસભા વિસ્તારમાં થયેલા સર્વેના આધારે આશરે 1700 દિવ્યાંગો માટે 3400 જેટલા સાધનો મંજૂર થયા છે. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR