
અમરેલી,12 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિરડી ગામમાં આખલાઓના યુદ્ધ દરમિયાન, એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના દૃશ્યો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
માહિતી મુજબ, નાળ ગામનો એક યુવક વિરડી ગામમાં હાજર હતો ત્યારે અચાનક બે આખલાઓ વચ્ચે જોરદાર યુદ્ધ શરૂ થયું હતું. યુદ્ધ દરમિયાન એક આખલાએ યુવકને અડફેટે લેતા તે હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયો હતો. ઘટનામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આસપાસ હાજર લોકોએ તાત્કાલિક દોડી આવી યુવકને આખલાની અડફેટમાંથી બચાવ્યો હતો અને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બાદમાં વધુ સારવાર માટે તેને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે, આખલાઓના યુદ્ધ વચ્ચે યુવક ફસાઈ જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાએ ગામમાં ચિંતા ફેલાવી છે. જાહેર સ્થળોએ રખડતા પશુઓને કારણે આવા અકસ્માતો વારંવાર બનતા હોવાના કારણે ગ્રામજનોએ તંત્ર સમક્ષ યોગ્ય પગલાં લેવા માંગ કરી છે.
પોલીસે અને સ્થાનિક તંત્ર દ્વારા, ઘટનાની વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai