
વડોદરા, 12 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના કાળા કારોબાર સામે એસ.ઓ.જી. પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. તાંદલજા વિસ્તારમાંથી એક શખ્સને ચરસના જથ્થા સાથે ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વડોદરા શહેર એસ.ઓ.જી. પોલીસને નશીલા પદાર્થોના વેચાણ સામે વધુ એક મહત્વની સફળતા મળી છે.
મળતી માહિતી મુજબ, એસ.ઓ.જી. પોલીસ સ્ટેશન નજીક તાંદલજાના કિસ્મત ચોકડી પાસે આવેલી નુરાનીપાર્ક સોસાયટી વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી તેની તપાસ કરતાં તેની પાસેથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી અંદાજે 250 ગ્રામ ચરસ, એક મોબાઇલ ફોન, ચરસના વેચાણમાંથી મળેલી રોકડ રકમ તેમજ એક ટુ-વ્હીલર મળી કુલ રૂ. 7.08 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાથમિક તપાસમાં આરોપી અમદાવાદથી ચરસ મંગાવી વડોદરા શહેરમાં તેનું વેચાણ કરતો હોવાનું ખુલ્યું છે. પોલીસે ચરસ સપ્લાય કરનાર અન્ય એક આરોપીની ઓળખ મેળવી તેની શોધખોળ પણ શરૂ કરી છે. સમગ્ર મામલે એસ.ઓ.જી. પોલીસે આરોપી સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી નશીલા પદાર્થોના નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમાં યુવાનોને નશાના રવાડે ચઢાવતા તત્ત્વો સામે એસ.ઓ.જી. પોલીસની કાર્યવાહી સતત તેજ બની રહી છે. હવે પોલીસ તપાસમાં આ નશાના કાળા કારોબાર સાથે સંકળાયેલા અન્ય કેટલા લોકોના નામ સામે આવે છે તેના પર સૌની નજર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ