


વડોદરા, 12 જુલાઈ (હિ.સ.) : વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ત્રણ દિવસ પહેલાં પડેલા ભારે વરસાદ અને વાવાઝોડા જેવી તેજ પવનને કારણે નર્મદા નદી કિનારે આવેલા માલસર અને માંડવા ગામોના કેળા ઉત્પાદક ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. અંદાજે 300થી 400 બીઘા વિસ્તારમાં ઉભેલી કેળાની ખેતી સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે, જેના કારણે આશરે 100 જેટલા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે.
માહિતી મુજબ, ત્રણ દિવસ પહેલાં શિનોર વિસ્તારમાં અંદાજે સાડા ત્રણ ઇંચ વરસાદ સાથે તેજ પવન ફૂંકાયો હતો. તેની અસરથી માલસર અને માંડવા ગામોમાં નર્મદા નદી કિનારે આવેલી કેળાની બાગાયતી જમીનોમાં ઉભો પાક જમીન પર ઢળી પડ્યો હતો.
ખેડૂતોના જણાવ્યા મુજબ કેળાનો પાક લણણી માટે સંપૂર્ણ તૈયાર હતો અને સારા ભાવ મળવાની આશા હતી. પરંતુ અચાનક આવેલા વરસાદ અને તેજ પવને મહિનાઓની મહેનત પળવારમાં બરબાદ કરી દીધી.
નુકસાન બાદ ખેડૂતોની મુશ્કેલી વધુ વધી છે. વેપારીઓ હવે ધરાશાયી થયેલા પાકની ખરીદી કરવા તૈયાર નથી. એટલું જ નહીં, ખેતરમાં પડેલો પાક દૂર કરવા માટે પણ ખેડૂતો પાસે પૂરતા નાણાં નથી.
નુકસાનગ્રસ્ત ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયત, ગ્રામ સેવક તેમજ બાગાયત વિભાગને રજૂઆત કરીને તાત્કાલિક નુકસાનનો સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર વહેલી તકે સહાય જાહેર કરે જેથી તેઓ ફરીથી ખેતી શરૂ કરી શકે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે.
હાલમાં માલસર અને માંડવા ગામોના ખેડૂતો સરકાર તરફથી ઝડપી સર્વે અને યોગ્ય વળતરની આશા સાથે રાહ જોઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ