
પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.) : કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક મહિલાને તેના પતિ દ્વારા સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. અંતે પતિએ નશાની હાલતમાં મારપીટ કરી છ માસની બાળકી છીનવી મહિલાને ઘરેથી કાઢી મૂકતા મહિલા નિરાધાર બની ગઈ હતી. મહિલા સહાયતા કેન્દ્રની જાણ બાદ 181 અભયમ મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર મીરા માવદિયા, કોન્સ્ટેબલ સેજલ બેન પંપાળીયા અને પાયલોટ દાના ભાઈ કટારા તાત્કાલિક પહોંચી મહિલાને મદદ પૂરી પાડી હતી.
મહિલાએ અભયમ ટીમને જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલાં તેણે માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિને નશાની આદત હોવાના કારણે વારંવાર ઝઘડા થતા હતા. પ્રેમલગ્નના કારણે પિયરનો સહારો પણ ન હોવાથી મહિલા તમામ મુશ્કેલીઓ સહન કરીને ઘર ચલાવતી હતી. છેલ્લા કેટલાક સમયથી પતિ નશાની હાલતમાં ઘરે આવી ગાળો આપી મારઝૂડ કરતા અને ઘર છોડવાની ધમકી આપતા હતા. તાજેતરમાં પતિએ ફરી નશાની હાલતમાં મહિલાની મારપીટ કરી છ માસની બાળકી છીનવી લીધી અને મહિલાને ઘરેથી કાઢી મૂકી હતી. આ ઘટનાથી વ્યથિત મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક વડીલોએ સમયસર રોકી લેતા અનિચ્છનીય ઘટના ટળી હતી. અભયમ ટીમે મહિલાને સાંત્વના આપી કાઉન્સેલિંગ કર્યુંતેમજ તેના પતિને કાયદાકીય જવાબદારીઓ અંગે સમજણ આપી હતી.
ટીમની મધ્યસ્થીથી મહિલાને તેની છ માસની બાળકી પરત અપાવવામાં આવી હતી. જોકે મહિલા હાલ પતિ સાથે રહેવા તૈયાર ન હોવાથી લાંબા ગાળાના કાઉન્સેલિંગ અને સુરક્ષિત આશ્રય માટે તેમને સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya