
ભાવનગર, 13 જુલાઈ (હિ.સ.)ભાવનગરના ટ્રેકિંગ લવર્સ ગ્રૂપ દ્વારા બ્રુહદ ગીરના દુધાળા–તુલસીશ્યામ વિસ્તાર ખાતે આવેલા હરિયાળાં અને મનોહર ખીસરી ફોરેસ્ટમાં ચોમાસાની પ્રથમ ટ્રેકિંગ યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કુદરતી સૌંદર્યથી ભરપૂર જંગલમાં યોજાયેલા આ ટ્રેકિંગ કાર્યક્રમમાં દોઢ વર્ષીય નાની માનુષીથી લઈને 61 વર્ષીય રીનાબેન સુધીના 35 ડોક્ટર્સ અને 15 બાળકો સહિત કુલ 50 ટ્રેકર્સ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ ટ્રેકિંગ દ્વારા સાબિત થયું કે પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને સાહસિક પ્રવૃત્તિઓ માટેનો ઉત્સાહ કોઈ ઉંમરનો મોહતાજ નથી.
ચોમાસાની હરિયાળી વચ્ચે સહભાગીઓએ, જંગલમાં વહેતા સુંદર ધોધો, વિવિધ જાતિના પક્ષીઓ, કુદરતી વનસ્પતિ અને સમૃદ્ધ જૈવ વૈવિધ્યનું નિરીક્ષણ કરીને અવિસ્મરણીય અનુભવ મેળવ્યો. ઠંડા પવન અને વરસાદી માહોલમાં કુદરતની નજીક વિતાવેલી પળોએ સૌને તાજગી અને આનંદની અનુભૂતિ કરાવી.
ટ્રેકિંગ બાદ સહભાગીઓએ આંબરડી સફારી પાર્કની મુલાકાત લઈ એશિયાટિક સિંહ સહિત વિવિધ વન્યજીવોને નજીકથી નિહાળ્યા હતા. સિંહ દર્શન દરેક માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને વન્યજીવન અંગે વધુ જાણવાની તક પણ મળી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અનુભવી ટ્રેક લીડર ડો. તેજસ દોશીના માર્ગદર્શન હેઠળ, ધારી ડિવિઝન વન વિભાગના સહયોગથી કરવામાં આવ્યું હતું. ટ્રેક દરમિયાન જંગલમાં સલામત રીતે ટ્રેકિંગ કરવાની પદ્ધતિ, પર્યાવરણ સંરક્ષણ, વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા તેમજ લીવ નો ટ્રેસના સિદ્ધાંતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સહભાગીઓને પ્લાસ્ટિકમુક્ત પ્રવાસ, સ્વચ્છતા જાળવવા અને કુદરતી સંપત્તિને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ, લોકોને પ્રકૃતિ સાથે જોડવા, આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા, સાહસિક પ્રવૃત્તિઓ પ્રત્યે રસ વધારવા તેમજ પર્યાવરણ અને જૈવ વૈવિધ્યના સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો. ટ્રેકિંગ લવર્સ ગ્રૂપ દ્વારા આગામી સમયમાં પણ ગુજરાતના વિવિધ કુદરતી વિસ્તારોમાં આવા કાર્યક્રમો યોજી વધુને વધુ લોકોને પ્રકૃતિપ્રેમી અને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA