
પાટણ, 13 જુલાઈ (હિ.સ.)પાટણમાં ભગવાન શ્રી જગન્નાથજીની ઐતિહાસિક 144મી રથયાત્રાના જાહેર નિમંત્રણ માટે રથયાત્રા સમિતિના યુવાનો દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. જગન્નાથ મંદિર ખાતેથી શરૂ થયેલી આ રેલીને ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્યે, ભગવાન જગન્નાથના જયઘોષ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું.
બાઇક રેલી હિંગળાચાચર, બગવાડા, રેલવે સ્ટેશન, બી.એમ. હાઈસ્કૂલ, જુનાગંજ, મેઈનબજાર, રતનપોળ, સાલવીવાડો, મોટી સરાઈ, અંબાજી મંદિર અને ધીવટા સહિતના માર્ગો પરથી પસાર થઈ ફરી જગન્નાથ મંદિરે પહોંચી હતી. સમગ્ર માર્ગ પર ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
રેલીનો મુખ્ય હેતુ, શહેરના જગન્નાથ ભક્તોને 144મી ઐતિહાસિક રથયાત્રામાં ઉત્સાહભેર જોડાવા માટે જાહેર નિમંત્રણ પાઠવવાનો હતો. મોટી સંખ્યામાં યુવા કાર્યકરોએ ભાગ લઈ ભગવાન જગન્નાથ પ્રત્યેની પોતાની આસ્થા અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ