
પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચએ એક વર્ષથી નાસતા ફરતા આરોપીની સફળતાપૂર્વક ધરપકડ કરી છે. કુતિયાણા પોલીસ સ્ટેશનના એક તેમજ વડોદરા ગ્રામ્ય જિલ્લાના બે અને ભરૂચ જિલ્લાના એક મળી કુલ ચાર ભારતીય બનાવટના વિદેશી દારૂ સંબંધિત ગુનાઓમાં વોન્ટેડ આરોપી તિલક હરિકૃષ્ણ પટેલ, રહે. ભોલાવ, ભરૂચને સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.
એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ સ્ટાફની ટીમ ફરાર આરોપીની શોધખોળ કરી રહી હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે સુરત ખાતે દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો. કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિદેશી દારૂના જથ્થા ઝડપાયેલા કેસમાં એક વર્ષથી આરોપી ફરાર હતો એલસીબીએ આરોપીને પોરબંદર લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટમાં રજૂ કરતાં ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન આરોપી સામે કુતિયાણા, વડોદરા ગ્રામ્ય અને ભરૂચ જિલ્લામાં નોંધાયેલા કુલ ચાર ગુનાઓમાં તેની સંડોવણી સામે આવી છે. ઉપરાંત તેના વિરુદ્ધ અગાઉ પણ ગંભીર ગુનાઓ મળી કુલ 14 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya