

વડોદરા,13 જુલાઈ (હિ.સ.) વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીએ આજે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા સાથે ચૂંટણી પ્રચારનો ઔપચારિક પ્રારંભ કર્યો છે. ભાજપના ઉમેદવાર સતીશ પટેલે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ઉમેદવારીપત્ર દાખલ કરી પક્ષનું શક્તિ પ્રદર્શન કર્યું હતું.
વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચારને વધુ વેગ આપ્યો છે.
ભાજપના ઉમેદવાર સતીશ પટેલે આજે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું. ઉમેદવારીપત્ર ભરતા પહેલા પક્ષ દ્વારા કાર્યકરો અને સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પક્ષના આગેવાનો, હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ હાજર રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતાઓએ કાર્યકરોમાં ઉત્સાહ ભરી ચૂંટણીમાં સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરવાનો સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચૂંટણીનો માહોલ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
હવે ઉમેદવારીપત્રોની ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માંજલપુર પેટાચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે. રાજકીય વિશ્લેષકોના મતે આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનશે અને ચૂંટણીનો જંગ વધુ રસપ્રદ બની શકે છે.માંજલપુર પેટાચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. હવે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થયા બાદ પ્રચારનો રંગ વધુ ગાઢ બનશે અને મતદારોને રીઝવવા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવશે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ