


વડોદરા, 13 જુલાઈ (હિ.સ.) : વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ છાણીના સતીશ પટેલને ઉમેદવાર જાહેર કર્યા બાદ ચૂંટણી પ્રચારને વેગ મળ્યો છે. આજે માંજલપુર વિસ્તારમાં ભાજપના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના વરિષ્ઠ નેતા અને માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના અવસાન બાદ ખાલી પડેલી માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી છાણીના સતીશ પટેલને ઉમેદવાર જાહેર કર્યા બાદ હવે ચૂંટણી પ્રચારનો ધમધમાટ તેજ બન્યો છે. પક્ષ દ્વારા જનસંપર્ક અને સંગઠનને મજબૂત બનાવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
તેના ભાગરૂપે આજે માંજલપુર વિસ્તારમાં ભાજપના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.
જગદીશ વિશ્વકર્માએ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ ઉપસ્થિત કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને સંબોધિત કર્યા હતા. તેમણે કાર્યકર્તાઓને ચૂંટણીમાં સંગઠનની શક્તિ સાથે લોકો સુધી સરકારની યોજનાઓ અને વિકાસના કાર્યો પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને સ્થાનિક સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. માંજલપુર પેટાચૂંટણીને લઈને હવે રાજકીય પક્ષો પ્રચારમાં સંપૂર્ણ રીતે સક્રિય બન્યા છે. આગામી દિવસોમાં વિવિધ પક્ષોના પ્રચાર કાર્યક્રમો અને રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બનવાની શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ