
ભાવનગર, 13 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાની સોનપરી પ્રાથમિક શાળા-2માં અભ્યાસ કરતા નાના વિદ્યાર્થીઓએ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે, એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ શરૂ કરી છે. શાળામાં રિસેસમાં વિશેષ નામની નવતર પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે, જેના માધ્યમથી બાળકોમાં ગણતરીની કુશળતા વિકસાવવાની સાથે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, જવાબદારી અને પર્યાવરણ સંરક્ષણની ભાવના પણ કેળવવામાં આવી રહી છે.શાળાના શિક્ષક આઈ.એસ. ભાલીયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થી પોતાના ઘર કે આસપાસના વિસ્તારમાંથી 100 લીંબોળીના ઠળિયા એકત્રિત કરીને શાળામાં લાવે છે.
આ બીજોને યોગ્ય રીતે તૈયાર કરીને ખુલ્લી જગ્યાઓ, ઉજ્જડ જમીન, અન્ય યોગ્ય સ્થળોએ વેરવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં વરસાદનું પાણી મળતા આ બીજમાંથી નવા લીમડાના છોડ ઉગી શકે અને આગામી વર્ષોમાં તે મોટા વૃક્ષનું સ્વરૂપ ધારણ કરે, તેવો આ પ્રયાસનો મુખ્ય હેતુ છે.લીમડો ઔષધીય ગુણોથી ભરપૂર અને પર્યાવરણ માટે અત્યંત ઉપયોગી વૃક્ષ માનવામાં આવે છે. તે હવા શુદ્ધ રાખવામાં, છાંયો પૂરો પાડવામાં તેમજ અનેક પક્ષીઓ અને જીવસૃષ્ટિ માટે આશ્રયસ્થાન તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આથી બાળકોમાં લીમડા જેવા ઉપયોગી વૃક્ષોનું મહત્વ સમજાવવા માટે આ પ્રવૃત્તિ અસરકારક સાબિત થઈ રહી છે.
વિદ્યાર્થીઓએ સમાજને પણ આ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી છે. તેમણે લોકોને વરસાદની ઋતુ દરમિયાન પાકેલા લીમડાના બીજ ભેગા કરીને રસ્તાની કિનારે, ખાલી પડેલી જમીનમાં અથવા જંગલની ખુલ્લી જગ્યાઓમાં વેરવાની વિનંતી કરી છે. કુદરતી રીતે વહેતા વરસાદના પાણી અને અનુકૂળ વાતાવરણના કારણે આ બીજમાંથી નવા છોડ સરળતાથી ઉગી શકે છે. સાથે જ પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ પણ આવા બીજને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડીને હરિયાળી વધારવામાં મહત્વપૂર્ણ ફાળો આપે છે.
સોનપરી પ્રાથમિક શાળા-2ની આ પહેલ માત્ર એક શાળાકીય પ્રવૃત્તિ પૂરતી મર્યાદિત નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણનો સશક્ત સંદેશ આપતી સામાજિક ચળવળ બની રહી છે. નાની ઉંમરે વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ, જવાબદારી અને વૃક્ષોનું મહત્વ સમજાવવાનો આ પ્રયાસ અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. જો દરેક શાળા અને દરેક બાળક આવી જ રીતે નાનકડો સંકલ્પ કરે, તો આવનારા વર્ષોમાં હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણનું સ્વપ્ન સાકાર થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA