
અમદાવાદ, 13 જુલાઇ (હિ.સ.) : અમદાવાદના રહેણાંક વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા લોકો હવે જાગૃત થાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દારૂના અડ્ડાનો વિરોધ કરવા એકત્ર થયેલા રહીશો પર બૂટલેગરો અને તેમના સાગરીતોએ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ચાંદખેડા વિસ્તારમાં આવેલ શુભલક્ષ્મી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે દારૂના ધંધાથી કંટાળેલા રહીશોએ રવિવારે બેઠક યોજી દારૂનો અડ્ડો બંધ કરાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ વિરોધ બૂટલેગરોને પસંદ ન આવતા તેમણે બહારથી અસામાજિક તત્વોને બોલાવી મહિલાઓ સહિત સોસાયટીના રહીશો પર હુમલો કર્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હતું, જેના કારણે રાત્રિના સમયે અસામાજિક તત્વોનો અડ્ડો જામતો હતો. રોજની મહિલાઓ તેમજ બાળકો માટે અસુરક્ષાની સ્થિતિ ઊભી થઈ હતી. અનેક વખત મૌખિક રજૂઆત છતાં સ્થિતિમાં કોઈ ફેરફાર ન આવતા આખરે રહીશોએ એકજૂથ થઈ દારૂનો ધંધો બંધ કરાવવાનો નિર્ણય લીધો હતો.
સોસાયટીના રહીશોએ બૂટલેગરને સોસાયટીમાં દારૂનું વેચાણ બંધ કરવા કહ્યું હતું. આ વાતને લઈ ઉશ્કેરાયેલા બૂટલેગરે પોતાના સાગરીતોને બોલાવી દીધા હતા. થોડા જ સમયમાં લાકડાં અને અન્ય હથિયારો સાથે પહોંચેલા શખ્સોએ રહીશો પર હુમલો કરી દીધો હતો. હુમલા દરમિયાન વચ્ચે બચાવ કરવા આવેલી મહિલાઓને પણ માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો છે. હુમલાથી સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા દોડધામ કરવા મજબૂર બન્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ચાંદખેડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ આવતાં હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. પોલીસે ભોગ બનનારાઓના નિવેદનોના આધારે હુમલાખોરો સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. સ્થાનિક રહીશોએ રહેણાંક વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. મોડીરાતે પોલીસે ઘર્મેન્દ્રસિંગ પઢીયાર, વિશ્વરાજ પઢીયાર, પૃથ્વી અને કિશોર વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ