
સુરત, 13 જુલાઈ (હિ.સ.) સુરત શહેરમાં ખાડી પુરનાં પાણી ઓસર્યા બાદ રોગચાળાની ભીતિ વચ્ચે વધુ એક વખત સુરત મહાનગર પાલિકાનાં વહીવટી તંત્ર દ્વારા રાત - દિવસની કામગીરી બાદ હવે માઈક્રો લેવલની સફાઈની કામગીરી હાથ ધરી છે. છેલ્લા પાંચ દિવસથી શહેરનાં મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદી પાણી અને ખાડીપુરનાં પાણી ઓસર્યા બાદ પાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા ઠેર - ઠેર યુદ્ધનાં ધોરણે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સેંકડો ટન કચરો અને ઉકરડો હટાવ્યા બાદ રસ્તા પર હવે બ્રશિંગ અને સ્ક્રેપિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ મચ્છરજન્ય રોગચાળાને ધ્યાને રાખીને મોટા પાયે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે.
7મી જુનનાં રોજ સુરત શહેર અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે શહેરનાં માથે પુરની આફત આવી પડી હતી. એક તરફ ખાડી પુરને કારણે નિચાણવાળા વિસ્તારોમાં છથી નવ ફુટ સુધી પાણી ભરાયા હતા જ્યારે ભારે વરસાદને પગલે શહેરનાં મોટા ભાગનાં વિસ્તારોમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ જવા પામી હતી. આખાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયા બાદ છેલ્લા પાંચ દિવસથી વરસાદી અને ખાડી પુરનાં પાણી ઓસર્યા બાદ મનપાનાં આરોગ્ય વિભાગની અલગ - અલગ ટીમો દ્વારા મોટા પાયે સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી હતી.
લિંબાયત અને ઉધના સહિતનાં ઝોનમાં આવેલ સ્લમ વિસ્તારથી માંડીને મોટા ભાગનાં વિસ્તારોમાં સફાઈ અભિયાન પૂર્ણ થયા બાદ હવે આજથી માઈક્રો લેવલની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરનાં મોટા ભાગનાં રસ્તાઓ પર બ્રશિંગ - સ્ક્રેપિંગ બાદ રસ્તાઓથી માંડીને સોસાયટીઓનાં રસ્તાઓની સફાઈ અંગે પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ સિવાય મચ્છરજન્ય રોગચાળાને ધ્યાને રાખીને તમામ ઝોનમાં ફોગિંગ અને પાઉડર છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે