ચાંદીપુરા વાયરસ:પંચમહાલ ગોધરા થી, વધુ સારવાર માટે અમદાવાદ પહોંચતા પહેલાં રસ્તામાં જ મોત
ગોધરા/ગાંધીનગર,13 જુલાઇ (હિ.સ.) ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ ચાંદીપુરા વાયરસનો આતંક જોવા મળી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 12 બાળકનાં મોત થયા છે. જેમાં 3 પોઝિટિવ અને 9 શંકાસ્પદ બાળકનાં મોત થયા છે. ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અ
Chandipura virus


ગોધરા/ગાંધીનગર,13 જુલાઇ (હિ.સ.) ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ ચાંદીપુરા વાયરસનો આતંક જોવા મળી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 12 બાળકનાં મોત થયા છે. જેમાં 3 પોઝિટિવ અને 9 શંકાસ્પદ બાળકનાં મોત થયા છે.

ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં આ જીવલેણ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે,

ગોધરાના વીંઝોલ અને સરદારપુરા ગામમાં ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. જેમા બે માસૂમ બાળકોના મોત થયા હતાં.

ગોધરા તાલુકાના મણિપુર ગામના મહુડી ફળિયામાં રહેતા એક વર્ષના બાળકમાં ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ બાળકની તબિયત લથડતાં તેને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યાં તેની ગંભીર સ્થિતિને જોતા તબીબોએ વધુ સારવાર માટે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ ખાતે રીફર કર્યો હતો. પરંતુ કમનસીબે, અમદાવાદ પહોંચે તે પહેલાં રસ્તામાં જ આ માસૂમ બાળકે દમ તોડ્યો હતો.

પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના કારણે, જીવ ગુમાવનાર બાળકોનો કુલ આંકડો 3 પર પહોંચ્યો છે. જેમાં અગાઉ 2 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મોત થયા હતા. જ્યારે આ ત્રીજા બાળકનું શંકાસ્પદ લક્ષણો સાથે મૃત્યુ નીપજ્યું છે.

પરિસ્થિતિને પગલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે, સર્વેલન્સ અને નિયંત્રણની કામગીરી હાથ ધરાઇ છે.

આરોગ્ય તંત્રની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન તપાસ કરીને આ જીવલેણ વાયરસ ફેલાવવા માટે જવાબદાર એવી 300થી વધુ સેન્ડફ્લાય માખીઓને, પકડી પાડવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ અને ફોગિંગ કરાઇ રહ્યું છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી સામે આવેલા અહેવાલ મુજબ, ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના 1 વર્ષના એક બાળક અને સાબરકાંઠાના કઠલાલ તાલુકાના 4 વર્ષના અન્ય એક બાળકને તીવ્ર તાવ અને આંચકી આવતાં તાત્કાલિક હોસ્પિટલના ખાસ બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ બંને માસૂમ બાળકના લોહીના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવ્યો છે.

હાલમાં સિવિલના નિષ્ણાત ડોક્ટરોની એક વિશેષ ટીમ દ્વારા આ બંને બાળક પર સતત નજર રાખીને તેમની સઘન સારવાર કરવામાં આવી રહી છે.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની એક 3 વર્ષની માસૂમ બાળકીમાં પણ, ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. આ બાળકીને સાવચેતીના ભાગરૂપે હિંમતનગર સિવિલ હોસ્પિટલના વિશેષ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને સારવાર શરૂ કરી દેવામાં આવી છે. તબીબો દ્વારા બાળકીના લોહીના નમૂના લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે અને હાલ તેના સત્તાવાર રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

આ વાયરસ મુખ્યત્વે કાચી માટી કે, લીપણવાળા ઘરોમાં જોવા મળતી નાની 'સેન્ડફ્લાય' માખી કરડવાથી ફેલાય છે. તે સીધો 14 વર્ષ સુધીના બાળકોની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (મગજ) પર હુમલો કરે છે.

આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વે શરૂ કરાયો છે.

ગોધરાના મણિપુર વિસ્તારમાંથી જીવલેણ વાયરસ ફેલાવતી 300 જેટલી સેન્ડફ્લાય માખીઓને પકડી પાડવામાં આવી છે. આ ઉપરાંત મેલેથિયોન પાવડરનો છંટકાવ અને ફોગિંગ પણ શરૂ કરી દેવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande