
સુરત, 13 જુલાઈ (હિ.સ.) : સુરત રેલવે સ્ટેશન પરથી ભીડના કારણે અજાણતાં પરિવારથી વિખૂટા પડેલા એક સગીરને ચાઇલ્ડ હેલ્પલાઇન-1098 ની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને સુરક્ષિત આશ્રય પૂરો પાડ્યો છે. રેલવે પ્રોટેક્શન ફોર્સના સંકલન સાથે જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી સગીરને બાળ સંભાળ સંસ્થામાં આશ્રય અપાયો છે.
ગત રોજ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 1 પર એક છોકરો એકલો અને ગુમસુમ હોવાની માહિતી મળતાં જ ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમ તત્કાલ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે બાળકને આશ્વાસન આપી કાઉન્સેલિંગ કર્યું હતું.
પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે મુસાફરી દરમિયાન ભારે ભીડના કારણે સગીર તેના પરિવારથી વિખૂટો પડી ગયો હતો. બાળકની પાસે પરિવારનો કોઈ સંપર્ક નંબર ન હોવાથી તાત્કાલિક માતાપિતાનો સંપર્ક થઈ શક્યો ન હતો. સગીરની સલામતીને ધ્યાને રાખી હેલ્પલાઇન ટીમે RPFના સહયોગથી તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. ત્યારબાદ નિયત સરકારી નિયમોનુસાર બાળ સંભાળ સંસ્થામાં તેને સુરક્ષિત રીતે મોકલી આપવામાં આવ્યો છે. હાલ સંબંધિત સત્તાધિકારીઓ સાથે સંકલન સાધી પરિવારની ભાળ મળે ત્યાં સુધી સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે.
‘ચાઇલ્ડ હેલ્પલાઇન-1098’ દ્વારા જાહેર જનતાને અપીલ છે કે, કોઈપણ બાળક મુશ્કેલીમાં, એકલું કે સંરક્ષણની જરૂરિયાતવાળું જણાય, તો તુરંત જ ટોલ-ફ્રી નંબર 1098 પર જાણ કરીએ, જેથી સમયસર બાળકને જરૂરી સહાય અને રક્ષણ પૂરું પાડી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે