
અમરેલી, 13 જુલાઈ (હિ.સ.) : સાવરકુંડલા પોલીસ ડિવિઝન હેઠળ આવતા સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓમાં નોંધાયેલા આરોપીઓને સાવરકુંડલા સર્કિટ હાઉસ ખાતે બોલાવી વિશેષ કાઉન્સેલિંગ અને સમજણ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન સાવરકુંડલા ડીવાયએસપીની અધ્યક્ષતામાં તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. પોલીસ અધિકારીઓએ આરોપીઓની પ્રાથમિક માહિતી મેળવી તેમની સાથે વ્યક્તિગત ચર્ચા કરી હતી. ગુનાખોરીથી દૂર રહેવા, કાયદાનું પાલન કરવા અને સમાજમાં શાંતિ જળવાઈ રહે તે માટે સમજણ આપવામાં આવી હતી.
પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવણી સામે આવશે તો કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ આરોપીઓને સકારાત્મક જીવન જીવવા, સમાજમાં જવાબદાર નાગરિક તરીકે વર્તન કરવા અને ગુનાખોરીથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી.
પોલીસ વિભાગના જણાવ્યા મુજબ આવા કાઉન્સેલિંગ કાર્યક્રમોનો મુખ્ય હેતુ ગુનાખોરી પર નિયંત્રણ લાવવાનો, પુનરાવર્તિત ગુનાઓ અટકાવવાનો અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન તમામ હાજર લોકોને કાયદાનું પાલન કરવા અને શાંતિપૂર્ણ સમાજ નિર્માણમાં સહભાગી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai