નર્મદા કેનાલમાંથી બહાર આવ્યો મગર: રોડ પર લટાર મારતા વાહનચાલકોમાં ભય, પોલીસે સતર્કતાથી કેનાલ તરફ હંફાવ્યો
છોટાઉદેપુર ,13 જુલાઈ (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં મોડી રાત્રે એક અનોખી ઘટના સામે આવી છે. નર્મદા મેન કેનાલમાંથી બહાર આવેલો મગર રોડ પર પહોંચી જતાં વાહનચાલકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, નાઈટ પેટ્રોલિંગમાં રહેલી નસવ
મગર


છોટાઉદેપુર ,13 જુલાઈ (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં મોડી રાત્રે એક અનોખી ઘટના સામે આવી છે. નર્મદા મેન કેનાલમાંથી બહાર આવેલો મગર રોડ પર પહોંચી જતાં વાહનચાલકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, નાઈટ પેટ્રોલિંગમાં રહેલી નસવાડી પોલીસે સમયસૂચકતા દાખવી મગરને સુરક્ષિત રીતે ફરી કેનાલ તરફ હંફાવી દીધો હતો.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી પસાર થતી નર્મદા મેન કેનાલમાંથી એક મગર બહાર આવી તણખલા રોડ પર બરોલી કેનાલ નજીક રોડ પર આવી ગયો હતો.

મોડી રાત્રે રોડ પર મગર લટાર મારતો જોવા મળતાં ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ સર્જાયો હતો. કેટલાક વાહનચાલકોએ પોતાના વાહનો થોભાવી સુરક્ષિત અંતર જાળવ્યું હતું.તે દરમિયાન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ કરી રહેલી નસવાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ કર્મચારીઓએ જોખમ લીધા વગર વાહનમાંથી નીચે ઉતર્યા વિના સતર્કતા અને સમયસૂચકતા દાખવી અવાજ કરીને મગરને રોડ પરથી દૂર હંફાવ્યો હતો.

પોલીસની કાર્યવાહી બાદ મગર નજીકના કોતર તરફ ઉતરી ગયો હતો અને ત્યારબાદ ફરી કેનાલ વિસ્તારમાં ચાલ્યો ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે અણધારી દુર્ઘટના સર્જાઈ નહોતી.

ચોમાસાની ઋતુ દરમિયાન નર્મદા કેનાલ અને તેની આસપાસના વિસ્તારોમાં મગરો બહાર આવવાની ઘટનાઓ વધતી હોવાથી સ્થાનિકોને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. વન્યપ્રાણી દેખાય તો તેની નજીક ન જવું અને તાત્કાલિક વન વિભાગ અથવા પોલીસને જાણ કરવાની પણ અપીલ કરવામાં આવી છે.

નસવાડી પોલીસની સતર્કતા અને સમયસરની કાર્યવાહીના કારણે એક સંભવિત દુર્ઘટના ટળી હતી. ચોમાસાના દિવસોમાં કેનાલ અને જળાશયોની આસપાસ અવરજવર કરતી વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી બની છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande