
સુરત, 13 જુલાઈ (હિ.સ.) સુરત શહેરમાં મહિલાઓ અને સગીરાઓ સામેના ગંભીર ગુનાઓને રોકવા માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલા વિશેષ અભિયાન દરમિયાન પોક્સો અને દુષ્કર્મના ચાર ફરાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. સુરતના ઉત્રાણ, કાપોદ્રા અને લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા કેસોમાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓ સુધી પહોંચીને તેમની ધરપકડ કરી છે. કેટલાક આરોપીઓને ઉત્તર પ્રદેશ અને ભાવનગરમાંથી પણ પકડી સુરત લાવવામાં આવ્યા છે.
ઉત્રાણ વિસ્તારમાં સગીરાના અપહરણ અને પોક્સો કેસમાં આરોપીને ફરિયાદ બાદ થોડા જ કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે કાપોદ્રા વિસ્તારમાં 14 વર્ષની બાળાને લગ્નની લાલચ આપીને ભગાડી જવાના અને દુષ્કર્મના કેસમાં આરોપીને ભાવનગરના મહુવાથી બાળા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. અન્ય એક કેસમાં યુવતીના અંગત ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ કરનાર આરોપી છેલ્લા નવ મહિનાથી ફરાર હતો, જેને આગ્રામાંથી શોધી કાઢીને સુરત લાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત લસકાણા વિસ્તારમાં નોંધાયેલા પોક્સો અને દુષ્કર્મના કેસમાં રિક્ષાચાલક આરોપીને પણ ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો હતો. સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ સ્ટેશનોની ટીમોએ સતત કાર્યવાહી કરીને તમામ આરોપીઓને કાયદાની જાળમાં લાવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે મહિલાઓ અને બાળકો સામેના ગંભીર ગુનાઓમાં ઝડપી તપાસ અને કડક કાર્યવાહીનો અભિગમ આગળ પણ યથાવત્ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે