

પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.) : કુતિયાણા તાલુકાના ચોળીયાણા ગામે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા ડાયાભાઈ ધોકિયાના સાત્વિક ફાર્મ ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન આત્મા પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ટેક્નોલોજી મેનેજર અશ્વિન મોરી તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ પારસ મારુ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડાયાભાઈ ધોકિયાએ પ્રાકૃતિક ખેતી અપનાવવાથી થયેલા આર્થિક અને કૃષિ સંબંધિત લાભો તેમજ પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત ખેતી પેદાશોના માર્કેટિંગ અને વેચાણ વ્યવસ્થાપન અંગે પોતાના અનુભવો ખેડૂતો સમક્ષ રજૂ કર્યા.
કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો જેવા કે જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન (મલ્ચિંગ), દશપર્ણી અર્ક, મિશ્ર પાક પદ્ધતિ સહિતની વિવિધ પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું.
આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડિરેક્ટર સીમાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતીની અનિવાર્યતા, તેના પર્યાવરણલક્ષી અને આર્થિક લાભો અંગે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી ટકાઉ અને ગુણવત્તાયુક્ત કૃષિ તરફ આગળ વધવા અનુરોધ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya