


વડોદરા , 13 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં વધી રહેલી ટુ-વ્હીલર ચોરીની ઘટનાઓ વચ્ચે ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આંતરજિલ્લા વાહનચોરીના રેકેટનો પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં 21 વાહનોની ચોરીનો ભેદ ઉકેલાયો છે.
છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં ટુ-વ્હીલર વાહનોની ચોરીના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો. જેના પગલે વડોદરા શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે વિશેષ ટીમ બનાવી વાહનચોરોને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી હતી.
વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી, શહેરના વિવિધ CCTV કેમેરાના ફૂટેજનું વિશ્લેષણ કર્યું હતું. તપાસ દરમિયાન મોઢા પર રૂમાલ બાંધી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફરતો એક શંકાસ્પદ વ્યક્તિ પોલીસના ધ્યાન પર આવ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેના પર નજર રાખી તેને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી એક્ટિવા વાહનોની સાત ડુપ્લિકેટ ચાવીઓ મળી આવી હતી. પૂછપરછમાં આરોપીની ઓળખ અમદાવાદના 63 વર્ષીય મુનાવર ઉર્ફે મુનાફ હુસેન શેખ તરીકે થઈ હતી.
પોલીસ તપાસમાં તેની પાસે રહેલી એક્ટિવા ભરૂચમાંથી ચોરાયેલી હોવાનું સામે આવતા તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં આરોપીએ અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લો, મહેસાણા, આણંદ, સુરેન્દ્રનગર, ભરૂચ, પાટણ અને વડોદરા સહિતના વિસ્તારોમાંથી 21 ટુ-વ્હીલર વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
આરોપીએ ચોરીના વાહનો અમદાવાદના શાહપુર દરવાજા વિસ્તારમાં રહેતા ઇમરાન શેખને વેચતો હોવાનું પણ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે ઇમરાન શેખની પણ ધરપકડ કરી હતી.
ઇમરાન પાસેથી પોલીસે ચોરીની 9 એક્ટિવા, એક પેશન બાઈક તેમજ વિવિધ વાહનોના એન્જિન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આંતરજિલ્લા વાહનચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી છે.
આ સમગ્ર કાર્યવાહી અંગે વડોદરા ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી. જે. ચાવડાએ પત્રકાર પરિષદમાં વિગતવાર માહિતી આપી હતી.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચની આ કામગીરીથી માત્ર શહેર જ નહીં પરંતુ અનેક જિલ્લાઓમાં થયેલી વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. હવે પોલીસે આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ અને ચોરીના વધુ વાહનો અંગે તપાસ વધુ તેજ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ