ભીષણ આગે મચાવ્યો હાહાકાર: અંજારની પ્લાયવુડ કંપનીમાં 10 કલાકના જહેમતભર્યા ઓપરેશન બાદ આગ પર કાબૂ
કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) કચ્છના અંજાર વિસ્તારમાં આવેલી એક પ્લાયવુડ કંપનીમાં ગઈ કાલે મોડી સાંજે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપની પરિસરમાં સંગ્રહિત લાકડાના જથ્થામાં આગ ઝડપથી ફેલાતાં જ્વાળાઓએ વિકરાળ સ્વ
અંજારની પ્લાયવુડ કંપની માં આગ


કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) કચ્છના અંજાર વિસ્તારમાં આવેલી એક પ્લાયવુડ કંપનીમાં ગઈ કાલે મોડી સાંજે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપની પરિસરમાં સંગ્રહિત લાકડાના જથ્થામાં આગ ઝડપથી ફેલાતાં જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઘટનાની જાણ થતાં તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.

આગની જાણ ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને મળતાં જ ફાયર બ્રિગેડના જવાનો વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગની ગંભીરતા જોતા એક જ ટીમ માટે આગને કાબૂમાં લેવું મુશ્કેલ બનતાં આસપાસના વિસ્તારોમાંથી પણ ફાયર બ્રિગેડની મદદ મંગાવવામાં આવી હતી. ભચાઉ ફાયર ટીમ સાથે કંડલા ટિમ્બર ફાયર ટીમ, અંજાર ફાયર ટીમ તેમજ અન્ય બે ફાયર યુનિટ સહિત કુલ છ જેટલી ટીમોએ સંયુક્ત રીતે બચાવ અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

લાકડાનો મોટો જથ્થો હોવાને કારણે આગ સતત ભડકતી રહી હતી, જેના કારણે ફાયર કર્મચારીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સતત અંદાજે દસ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને વધુ વિસ્તરતી અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. લાંબા અને જોખમી ઓપરેશન બાદ આખરે ફાયર ટીમોને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

આ સમગ્ર કામગીરી દરમિયાન ફાયર વિભાગના જવાનોએ ભારે મહેનત અને સતર્કતા દાખવી હતી. સમયસર વિવિધ ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી જતાં આગને આસપાસના વિસ્તારોમાં ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ સામે આવ્યા નથી, જોકે આગના કારણે કંપનીના લાકડાના જથ્થાને મોટું નુકસાન થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આગના કારણો તેમજ થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં અગ્નિસુરક્ષા વ્યવસ્થાની આવશ્યકતા ફરી એકવાર ઉજાગર કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande