અંજાર પોલીસે બે સ્થળે દરોડા પાડી લાખોનો વિદેશી-દેશી દારૂ અને બ્રેઝા કાર સહિત મુદ્દામાલ જપ્ત કર્યો
કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છના અંજાર વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે પોલીસે વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. આજે મેઘપર બોરીચી અને વરસામેડી સીમના બાગેશ્રીનગર વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ પાડવામાં આવેલા દરોડા દરમિયાન દેશી અને વિદેશી બ
અંજાર દારૂ કેસના મુદ્દામાલ સહિત આરોપીઓ


અંજાર દારૂ કેસના મુદ્દામાલ સહિત આરોપીઓ


અંજાર દારૂ કેસના મુદ્દામાલ સહિત આરોપીઓ


કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છના અંજાર વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે પોલીસે વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. આજે મેઘપર બોરીચી અને વરસામેડી સીમના બાગેશ્રીનગર વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ પાડવામાં આવેલા દરોડા દરમિયાન દેશી અને વિદેશી બનાવટના દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. બંને કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુના નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓને અંકુશમાં લેવા માટે વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાની ટીમે બાતમીના આધારે બંને સ્થળોએ સફળ દરોડા પાડ્યા હતા.

પ્રથમ કાર્યવાહીમાં મેઘપર બોરીચી વિસ્તારમાંથી રઘુવીરસિંહ સબળસિંહ જાડેજાને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વિવિધ બ્રાન્ડની ભારતીય તેમજ વિદેશી બનાવટની વ્હિસ્કી અને બીયરની બોટલો મળી આવી હતી. આ કેસમાં અંદાજે રૂ. 98 હજારથી વધુ કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં મોટી ચિરઈ ના પ્રતિપાલસિંહ જાડેજાને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.

બીજી કાર્યવાહીમાં વરસામેડી સીમના બાગેશ્રીનગર વિસ્તારમાંથી લક્ષ્મણસિંહ સુલ્તાનસિંહ ભાટી અને રાજસ્થાનના રહેવાસી રામસિંહ ડાલુસિંહ રાઠોડને ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી બ્લેન્ડર પ્રાઈડ, રોયલ સ્ટેગ અને ઈમ્પીરિયલ બ્લ્યુ જેવી બ્રાન્ડની દારૂની બોટલો ઉપરાંત બે મોબાઇલ ફોન અને આશરે રૂ. 5 લાખ કિંમતની મારુતિ સુઝુકી બ્રેઝા કાર પણ જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં કુલ રૂ. 5.57 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.

બંને કેસોમાં પોલીસે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ગેરકાયદેસર દારૂના સપ્લાય નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

આ સમગ્ર ઓપરેશનમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી. વાળા તથા પોલીસ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જિલ્લામાં દારૂના ગેરકાયદે વેપાર સામે સતત અને કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande