


કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) પશ્ચિમ કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર વર્ષોથી થયેલા ગેરકાયદેસર ધાર્મિક તેમજ કોમર્શિયલ દબાણો સામે જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રે સંયુક્ત રીતે વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કાર્યવાહી કરીને સરકારી જમીન પર થયેલા કુલ 19 ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 1,51,052 ચોરસ મીટર સરકારી જમીન કબજામુક્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત રૂ.1,46,49,702 જેટલી થાય છે.
આ ઝુંબેશ દરમિયાન ધાર્મિક સ્થળો, દુકાનો, હોટલ, વાડા, તબેલા તેમજ ખેતી માટે ગેરકાયદેસર રીતે કબજામાં લેવામાં આવેલી સરકારી જમીનોને નિયમો મુજબ ખાલી કરાવવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ અને વહીવટી તંત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરી હતી.
ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ્રોબાણા ગામે સર્વે નંબર 74 ખાતે આવેલી ઇદગાહ-અલ્લારખીયા ગફુર સમા સંબંધિત દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અહીંથી 3,500 ચોરસ મીટર સરકારી જમીન મુક્ત કરાઈ, જેની અંદાજિત કિંમત રૂ.10,85,000 છે.
મુંદરા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોએરસમા ગામની સીમમાં આવેલી પઠાપીરની દરગાહ સંબંધિત દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અહીંથી 225 ચોરસ મીટર જમીન કબજામુક્ત કરવામાં આવી, જેની કિંમત રૂ.2,12,750 આંકવામાં આવી છે.
ધોરડો પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી. ધોરડો ટેન્ટ સિટી ચાર રસ્તા નજીક આવેલી નાની દુકાન અને વાડાનું દબાણ દૂર કરીને 1,500 ચોરસ મીટર જમીન મુક્ત કરાઈ, જેની કિંમત રૂ.9,00,000 છે. જ્યારે એગ્રોસેલ કંપની સામે આવેલી હોટલ અને દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરીને 6,800 ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ.40,80,000 છે.
નરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ સ્થળોએ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માણકાવાંઢ ખાતે સરકારી જમીન પર બનાવાયેલા તબેલાનું દબાણ દૂર કરીને 8,094 ચોરસ મીટર જમીન મુક્ત કરવામાં આવી, જેની કિંમત રૂ.6,00,000 છે. તે જ ગામમાં ખેતી માટે કરાયેલા ગેરકાયદેસર કબજામાંથી 24,281 ચોરસ મીટર જમીન કબજામુક્ત કરવામાં આવી, જેની અંદાજિત કિંમત રૂ.18,00,000 છે. ઉપરાંત વોણારવાંઢ વિસ્તારમાં ખેતી માટે કરાયેલા ગેરકાયદેસર દબાણને દૂર કરીને 80,940 ચોરસ મીટર સરકારી જમીન મુક્ત કરાઈ હતી, જેની કિંમત રૂ.49,94,520 જેટલી થાય છે.
ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોજાય ગામની સરકારી સીમના સર્વે નંબર 475, 492, 490, 494, 538 અને 535 પર થયેલા ગેરકાયદેસર કબજાઓ દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન 25,712 ચોરસ મીટર જમીન મુક્ત કરવામાં આવી, જેની અંદાજિત કિંમત રૂ.9,77,432 છે.
જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની હાજરીમાં હાથ ધરાયેલી આ કામગીરીને સ્થાનિક વહીવટી તંત્રનો પણ સંપૂર્ણ સહકાર મળ્યો હતો. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે અને જાહેર મિલકત પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર કબજો સહન કરવામાં આવશે નહીં.
કુલ કાર્યવાહીનો સાર: પશ્ચિમ કચ્છ જિલ્લામાં કુલ 19 ગેરકાયદેસર દબાણો દૂર કરીને 1,51,052 ચોરસ મીટર સરકારી જમીન કબજામુક્ત કરવામાં આવી છે, જેની કુલ અંદાજિત કિંમત રૂ.1,46,49,702 થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar