ધાડનો ભેદ 48 કલાકમાં ઉકેલાયો: ગાંધીધામ પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડ્યા, મુખ્ય આરોપી સામે 20થી વધુ ગુનાઓ નોંધાયેલા
કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) : ગાંધીધામ શહેરના ગણેશનગર વિસ્તારમાં બપોરના સમયે રહેણાંક મકાનમાં ઘૂસી હથિયારોના જોરે ધાડ પાડવાની ઘટનાનો પૂર્વ કચ્છ પોલીસને મહત્વપૂર્ણ ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને
ગાંધીધામ ધાડ કેસના આરોપીઓ


કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) : ગાંધીધામ શહેરના ગણેશનગર વિસ્તારમાં બપોરના સમયે રહેણાંક મકાનમાં ઘૂસી હથિયારોના જોરે ધાડ પાડવાની ઘટનાનો પૂર્વ કચ્છ પોલીસને મહત્વપૂર્ણ ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને માનવ બાતમીદારોની મદદથી આ કેસમાં સંડોવાયેલા સાત આરોપીઓને આજે ઝડપી પાડી તેમની પાસેથી લૂંટમાં વપરાયેલા વાહનો, મોબાઇલ ફોન, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં હજુ અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ અને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાની ટીમે આ ગંભીર ગુનાનો ઝડપી ભેદ ઉકેલી આરોપીઓને કાયદાના સકંજામાં લાવ્યા છે.

પોલીસ તપાસ મુજબ થોડા દિવસ અગાઉ ગણેશનગર વિસ્તારમાં રહેતી એક મહિલાના મકાનમાં ઈકો કાર અને મોટરસાયકલમાં આવેલા અજાણ્યા શખ્સોએ ધસી જઈ ધોકા અને છરી જેવા હથિયારોના જોરે આતંક મચાવ્યો હતો. મહિલાને માર મારી ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી. આરોપીઓએ મંદિરમાં રાખેલા ખાનામાંથી અંદાજે રૂ.12 હજારની રોકડ રકમ લૂંટી લીધી હતી. ત્યારબાદ ઘર બહાર ઉભેલું જ્યુપીટર સ્કૂટર બળજબરીથી લઈ ગયા હતા તેમજ પ્લાસ્ટિકની બોટલમાં લાવેલા પેટ્રોલને આંગણામાં છાંટી પરિવારને ગંભીર પરિણામોની ધમકી આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

ઘટના બાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તથા ગુજરાત પોલીસ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યું, વાહનોની અવરજવરનું ટ્રેકિંગ કર્યું તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને માનવ બાતમીદારોના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી.

પકડાયેલા આરોપીઓમાં મોરબી જિલ્લાના માળીયાના રહેવાસી ફારૂક દિલાવર ઝેડા, સાહિલ અબ્દુલભાઈ મોવર, ઇબ્રાહીમ મુસ્તાકભાઈ કાજડિયા, હુશેન ઇકબાલ ભટ્ટી, લતીફ હૈદરભાઈ કાજેડીયા, કંડલાની રેલવે ઝૂંપડપટ્ટીમાં રહેતો મૂળ ઉત્તર પ્રદેશનો નિઝામુદીન ઇસરાયલ મોહમ્મદ અંસારી તેમજ કંડલામાં રહેતો મૂળ ઉત્તર પ્રદેશનો મેરાજઅલી રમજાનઅલીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલું જ્યુપીટર સ્કૂટર, ગુનામાં વપરાયેલી આર-15 મોટરસાયકલ, ઈકો કાર, એક મોબાઇલ ફોન, રૂ.4,500ની રોકડ રકમ, એક ધારદાર છરી, છ ધોકા તેમજ પેટ્રોલની ગંધ આવતી ખાલી પ્લાસ્ટિકની બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

તપાસ દરમિયાન મુખ્ય આરોપી ફારૂક દિલાવર ઝેડાનો લાંબો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તેની સામે મોરબી એ ડિવિઝન, બી ડિવિઝન, માળીયા અને સામાખિયાળી પોલીસ સ્ટેશનોમાં રાયોટિંગ, હત્યાના પ્રયાસ, લૂંટ, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન સહિતના 20થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે. અન્ય આરોપી સાહિલ અબ્દુલભાઈ મોવર સામે બે વર્ષ અગાઉ લૂંટ સાથે હત્યાનો ગંભીર ગુનો નોંધાયો હતો, જ્યારે હુશેન ઇકબાલ ભટ્ટી સામે માળીયા અને લાકડિયા પોલીસ સ્ટેશનોમાં હત્યાના પ્રયાસ, જુગાર અને પ્રોહિબિશન સંબંધિત ચાર ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે.

આ સમગ્ર કાર્યવાહી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના નેતૃત્વમાં પીએસઆઈ એલ.એન. વાઢીયા, પીએસઆઈ એસ.જે. પઢાર, પીએસઆઈ કે.જે. વાઢેર તેમજ સર્વેલન્સ સ્ટાફની ટીમે સંયુક્ત રીતે હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું છે કે આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હજુ ચાલુ છે અને ટૂંક સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande