ગાંધીધામ સહિત નવી 9 મહાનગરપાલિકાઓ માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય: પાંચ વર્ષ સુધી વિનામૂલ્યે મળશે સરકારી જમીન
કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) ગુજરાતમાં નવી રચાયેલી નવ મહાનગરપાલિકાઓના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ અને દૂરંદેશી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી મહાનગરપાલિકાઓમાં નાગરિકોને વધુ સારી અને આધુનિક શહેરી સુવિધાઓ ઉપલબ
ગાંધીધામ નગર પાલિકા


કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) ગુજરાતમાં નવી રચાયેલી નવ મહાનગરપાલિકાઓના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ અને દૂરંદેશી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી મહાનગરપાલિકાઓમાં નાગરિકોને વધુ સારી અને આધુનિક શહેરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આગામી પાંચ વર્ષ સુધી જાહેર હિતના વિવિધ વિકાસ કાર્યો માટે જરૂરી સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવાનો નિર્ણય જાહેર કર્યો છે. રાજ્ય સરકારના આ પગલાથી નવી મહાનગરપાલિકાઓમાં માળખાગત વિકાસને નોંધપાત્ર ગતિ મળશે અને નાગરિકોને ગુણવત્તાસભર સુવિધાઓનો ઝડપી લાભ મળી શકશે.

આ નિર્ણયનો લાભ મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ, સુરેન્દ્રનગર અને પોરબંદર જેવી નવી રચાયેલી નવ મહાનગરપાલિકાઓને મળશે. અગાઉ આ શહેરો અ વર્ગની નગરપાલિકા તરીકે કાર્યરત હતા, પરંતુ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ તેમના કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર વધારો થયો છે. નવા વિસ્તારોના સમાવેશ અને વહીવટી પરિવર્તનના તબક્કાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિકાસ કાર્યોમાં જમીનની અછત અવરોધ ન બને તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

સરકારના નિર્ણય અનુસાર આગામી પાંચ વર્ષ સુધી મહાનગરપાલિકાઓને નાગરિકોની સુખાકારી સાથે જોડાયેલા અગત્યના જાહેર પ્રોજેક્ટો માટે સરકારી જમીન કોઈપણ મૂલ્ય ચૂકવ્યા વગર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે મોટા પ્રમાણમાં નાણાકીય બચત થશે અને તે બચતનો ઉપયોગ અન્ય વિકાસલક્ષી યોજનાઓમાં કરી શકાશે.

વિનામૂલ્યે જમીન ફાળવવાની યોજનામાં મહાનગરપાલિકા કચેરીના નવા મકાનો, ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી), વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ડબલ્યુટીપી), ભૂગર્ભ ગટર વ્યવસ્થા, પંપિંગ સ્ટેશન, પીવાના પાણીના પ્રોજેક્ટ, ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન માટેના પ્લાન્ટ, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ, આંગણવાડી કેન્દ્રો તેમજ ટાઉન હોલ, કોમ્યુનિટી હોલ અને કન્વેન્શન સેન્ટર જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારનું માનવું છે કે નવી મહાનગરપાલિકાઓમાં વિકાસની ગતિ જાળવી રાખવા માટે જમીન ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા સરળ અને ઝડપી બનવી જરૂરી છે. તેથી જિલ્લા કક્ષાએ જમીન ફાળવણીની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવશે, જેથી વિકાસ કાર્યોમાં વિલંબ ન થાય અને પ્રોજેક્ટો સમયસર પૂર્ણ થઈ શકે.

આ નિર્ણયના અમલીકરણ બાદ નવી મહાનગરપાલિકાઓમાં ફાયર સેફ્ટી, સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા, ગટર નેટવર્ક, કચરા વ્યવસ્થાપન અને અન્ય મૂળભૂત નાગરિક સુવિધાઓના વિકાસમાં ઝડપ આવશે. સાથે જ જાહેર ઉપયોગની આધુનિક સુવિધાઓ ઊભી થતાં શહેરોના આયોજનબદ્ધ વિકાસને પ્રોત્સાહન મળશે અને લાખો નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો થશે.

રાજ્ય સરકારનો આ નિર્ણય નવી મહાનગરપાલિકાઓને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવાની સાથે શહેરી વિકાસના નવા અધ્યાયની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે. આગામી વર્ષોમાં આ શહેરોમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ ઝડપથી આગળ વધશે અને નાગરિકોને વધુ સુવિધાસભર, સ્વચ્છ અને સુવ્યવસ્થિત શહેરી જીવનનો લાભ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande