ગાંધીધામમાં ગંજીપાનાના જુગાર પર પોલીસનો દરોડો: આહીર પ્લોટ વિસ્તારમાંથી 7 શખ્સ ઝડપાયા
કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જ અભિયાન હેઠળ ગાંધીધામ એ-ડિવીઝન પોલીસે ખાનગી બાતમીના આધારે આહીર પ્લોટ ટીમ્બર વિસ્તાર પાસે સફળ દરોડો પાડી ગંજીપાનાનો જુ
ગાંધીધામ જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જ અભિયાન હેઠળ ગાંધીધામ એ-ડિવીઝન પોલીસે ખાનગી બાતમીના આધારે આહીર પ્લોટ ટીમ્બર વિસ્તાર પાસે સફળ દરોડો પાડી ગંજીપાનાનો જુગાર રમાતો હોવાનો ભાંડો ફોડ્યો હતો. પોલીસની આ કાર્યવાહી દરમિયાન કુલ સાત વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે જુગારમાં વપરાતી સામગ્રી તેમજ રોકડ રકમ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. રાઠોડે સર્વેલન્સ સ્ટાફને સતત પેટ્રોલિંગ અને બાતમીના આધારે કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી.

પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ ખાનગી માહિતીના આધારે પોલીસ ટીમે આહીર પ્લોટ ટીમ્બર વિસ્તાર, ગળપાદર સીમ ખાતે દરોડો પાડ્યો હતો. ત્યાં કેટલાક લોકો જાહેર સ્થળે ગંજીપાનાનો જુગાર રમી રહ્યા હોવાનું સામે આવતા પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરીને તમામ આરોપીઓને ઝડપી લીધા હતા.

પકડાયેલા આરોપીઓમાં મેનુ દિલદારઅલી હક, યુસુફઅલી ગુલઝારઅલી, રેજ્યુલ ઓપીઅલી શેખ, અઝરૂલ ઓપીઅલી શેખ, હુશેન નુરમામદ અલી, સંજત મુઝીબ રહેમાન અલી તથા પીકાંગ નિઝુમ બ્રહ્માનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ હાલમાં ગાંધીધામના વિવિધ ટીમ્બર વિસ્તારોમાં રહે છે અને મૂળ આસામ રાજ્યના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

દરોડા દરમિયાન પોલીસે જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા ગંજીપાનાના પત્તા તેમજ રોકડ રૂપિયા 20,910 જપ્ત કર્યા હતા. સમગ્ર મુદ્દામાલ કબજે કરીને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીધામ પોલીસનું કહેવું છે કે શહેરમાં ગેરકાયદેસર જુગાર, પ્રોહિબિશન અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે પોતાના વિસ્તારમાં આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે માહિતી હોય તો નિર્ભયપણે પોલીસને જાણ કરે, જેથી કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande