





પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.) : પોરબંદર સહિત રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા હિરલબા જાડેજા કેસમાં વધુ એક કાનૂની વળાંક આવ્યો છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં મળેલા નિર્ણયના આધારે હિરલબા જાડેજા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધાવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય સ્વ. ભૂરા મુંજાની વિદેશમાં વસતી પત્ની ચૌલાદેવી ભૂરા કડછાએ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરી હતી. અરજીમાં સૂરજ પેલેસ નામનો બંગલો પોતાના નામે હોવા છતાં હિરલબા જાડેજાએ ગેરકાયદેસર કબજો જમાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. લેન્ડ ગ્રેબિંગ કમિટીએ અરજીની તપાસ બાદ હિરલબા જાડેજા સામે ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો હતો. તેના આધારે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ચૌલાદેવી ભૂરા કડછાની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં સૂરજ પેલેસ બંગલો ગેરકાયદેસર રીતે કબજે રાખી તેનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે હિરલબા જાડેજા સામે અગાઉથી ખંડણી, અપહરણ, સાઇબર ફ્રોડ, મિલકતો પચાવી પાડવાના તેમજ ઊંચા વ્યાજે નાણા આપવાના સહિતના વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. હાલ તેઓ છેલ્લા 13 મહિનાથી વધુ સમયથી અલગ-અલગ ગુનાઓમાં જૂનાગઢ જેલમાં બંધ છે. લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાતા હવે સૂરજ પેલેસ મિલકતનો કાયદેસર કબજો ચૌલાદેવી ભૂરા કડછાને સોંપવાની પ્રક્રિયા આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે મિલકતના માલિકી હક અને કબજા અંગેનો અંતિમ નિર્ણય કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya