


વડોદરા, 13 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનમાં નાગરિકોને વધુ સારી અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. હિતાચી એનર્જી ઈન્ડિયા લિમિટેડના CSR ફંડ હેઠળ પોલીસ સ્ટેશન પરિસરમાં વિકસાવવામાં આવેલી વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરનું વર્ષ 2024માં અત્યાધુનિક બનાવવામાં આવેલું મકરપુરા પોલીસ સ્ટેશન હવે વધુ સુવિધાસભર બન્યું છે. હિતાચી એનર્જી ઈન્ડિયા લિમિટેડ દ્વારા તેમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડ હેઠળ પોલીસ સ્ટેશનમાં નાગરિકોને ઉપયોગી બને તેવી વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
આ પહેલ અંતર્ગત સમગ્ર પોલીસ સ્ટેશન પરિસરમાં ગ્રીન કોરિડોર, સુંદર લોન, સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા તેમજ અન્ય જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ સુવિધાઓના કારણે પોલીસ સ્ટેશનનું વાતાવરણ વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને નાગરિકમૈત્રી બન્યું છે.
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, કંપનીના પ્રતિનિધિઓ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ કમિશનરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આધુનિક પોલીસિંગ માત્ર કાયદો અને વ્યવસ્થા સુધી મર્યાદિત નથી, પરંતુ પોલીસ સ્ટેશનમાં આવતા દરેક નાગરિકને સરળ, સન્માનજનક અને સુવિધાસભર વાતાવરણ મળે તે પણ એટલું જ મહત્વનું છે. તેમણે જણાવ્યું કે સરકારી તંત્ર અને કોર્પોરેટ ક્ષેત્રના સહયોગથી જાહેર સેવાઓની ગુણવત્તામાં વધારો કરી શકાય છે અને આવી પહેલ અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
CSR હેઠળ વિકસાવવામાં આવેલી આ સુવિધાઓથી મકરપુરા પોલીસ સ્ટેશન વધુ આધુનિક, હરિયાળું અને નાગરિકકેન્દ્રિત બન્યું છે. જાહેર સેવા અને કોર્પોરેટ સામાજિક જવાબદારીનું આ સંયોજન પોલીસ અને પ્રજા વચ્ચેના વિશ્વાસને વધુ મજબૂત બનાવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ