
ભાવનગર,13 જુલાઈ (હિ.સ.)મહુવા તાલુકાના કતપર ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવર અને તેના દ્વારા મારણની ઘટનાઓને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના લાઈટ હાઉસ વિસ્તાર, પ્રાથમિક શાળાની આસપાસ તેમજ રહેણાંક વિસ્તારમાં દીપડાની હાજરી જોવા મળતાં સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી હતી. આ અંગે કતપર ગામના સરપંચ તેમજ ગ્રામજનોએ વનવિભાગ સમક્ષ રજૂઆત કરતાં મહુવા વન્યજીવ રેન્જની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
વનવિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે દીપડાને પકડવા માટે સંભવિત અવરજવરવાળા વિસ્તારમાં પીંજરાની ગોઠવણ કરવામાં આવી હતી. સતત દેખરેખ અને આયોજનબદ્ધ કામગીરીના પરિણામે એક દીપડાને સફળતાપૂર્વક પાંજરે પકડી લેવામાં આવ્યો હતો. દીપડાના રેસ્ક્યૂ બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વનવિભાગની ઝડપી કામગીરીને આવકારી હતી.માણસ અને વન્યપ્રાણીઓ વચ્ચેના ઘર્ષણને અટકાવવા તથા લોકોમાં જાગૃતિ લાવવા માટે મહુવા વન્યજીવ રેન્જ દ્વારા કતપર ગામમાં અવેરનેસ ડ્રાઈવનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત ગ્રામજનોને દીપડાની હાજરી દરમિયાન રાખવાની સાવચેતીઓ, રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા, બાળકો પર ખાસ નજર રાખવા તેમજ પશુઓને સુરક્ષિત જગ્યાએ બાંધવા જેવી મહત્વપૂર્ણ બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA