
પાટણ, 13 જુલાઈ (હિ.સ.) : અમદાવાદમાં યોજાયેલી લાયન્સ ડિસ્ટ્રીક્ટ 3232 B1ની એવોર્ડ નાઇટમાં લાયન્સ ક્લબ ઓફ પાટણે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર ક્લબને બેસ્ટ લાયન્સ ક્લબનો પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે. સાથે જ ક્લબના પ્રમુખ લાયન નિકુલ ચુનાવાલાને બેસ્ટ પ્રેસિડેન્ટ સહિત કુલ 14 વિવિધ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
લાયન નિકુલ ચુનાવાલાના નેતૃત્વ હેઠળ વર્ષ દરમિયાન આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, રક્તદાન, સામાજિક જનજાગૃતિ, માનવ સેવા અને જીવદયા જેવા ક્ષેત્રોમાં 104થી વધુ લોકોપયોગી સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ પિનથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમારોહમાં લાયન્સ ક્લબ ઓફ પાટણના ગૌરવભાઈ મોદી, ડૉ. રાજગોપાલ મહારાજા, નટવરસિંહ ચાવડા, મુકેશ પટેલ, જેસંગભાઈ ચૌધરી અને સતીશભાઈ ઠક્કર સહિતના હોદ્દેદારોને પણ તેમની શ્રેષ્ઠ સેવાઓ બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિને પાટણ માટે ગૌરવની ક્ષણ ગણાવી ક્લબે ભવિષ્યમાં પણ સમાજસેવાના કાર્યો વધુ સક્રિય રીતે ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ