
મહેસાણા, 13 જુલાઈ (હિ.સ.) : મહેસાણા શહેરના તાવડીયા રોડ પર આવેલી પ્રગતિનગર સોસાયટીમાં મોડી રાત્રે 30 વર્ષ જૂના મકાનનો જર્જરિત સ્લેબ અચાનક ધરાશાયી થતાં મહિલા સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. નોંધનીય છે કે આ ઘટના કોઈપણ પ્રકારના વરસાદ વિના બની હતી, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે.
માહિતી મુજબ કાળુજી ઠાકોરના પરિવારના સભ્યો રાત્રે ઊંઘમાં હતા ત્યારે ધાબાની કાકરીઓ ખરવા લાગી હતી. આ દરમિયાન પરિવારની એક બાળકી (ભાણી)એ ઘરની ઓસરીમાં સૂતા બે ભાઈઓ આઝાદ ઠાકોર અને ભાવસિંહ ઠાકોરને જાગાડી દીધા હતા. થોડી જ ક્ષણોમાં સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો. બંને યુવકોને હાથ અને પગમાં ઈજાઓ પહોંચી હતી, જ્યારે ઉપરના માળે સૂતા લક્ષ્મીબેન સ્લેબ સાથે નીચે પટકાતા તેમના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.
ઘટનાનો ધડાકો સાંભળીને સોસાયટીના લોકો તાત્કાલિક દોડી આવ્યા અને કાટમાળમાંથી ઘાયલોને બહાર કાઢી રિક્ષા મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. સોસાયટીના પ્રમુખ જયંતિભાઈ વાણીયાએ જણાવ્યું હતું કે સમયસર સ્થાનિકોની મદદ મળતાં વધુ મોટી જાનહાનિ ટળી હતી.
સ્લેબ તૂટી પડતાં ઘરમાં રહેલો સેટી, પલંગ, ગાદલા, કબાટ અને મહત્વના દસ્તાવેજો પણ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. મધ્યમવર્ગીય પરિવારે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને તંત્ર પાસે આર્થિક સહાયની માંગ કરી છે. પોલીસે અને સ્થાનિક તંત્રએ ઘટનાની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR