
મહેસાણા, 13 જુલાઈ (હિ.સ.) મહેસાણાના સૌથી વ્યસ્ત ટ્રાફિક જંક્શન પૈકીની રાધનપુર ચોકડી પર ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે રૂ.110 કરોડના ખર્ચે નવા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ માટે ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અંદાજે 690 મીટર લાંબા ફોરલેન ફ્લાયઓવરને બે વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.ફ્લાયઓવર તૈયાર થયા બાદ પાલનપુર-અમદાવાદ હાઇવે પરથી પસાર થતા વાહનોને સિગ્નલ વિના સીધો માર્ગ મળશે, જ્યારે સ્થાનિક વાહન વ્યવહાર માટે નીચે સર્વિસ રોડ ચાલુ રહેશે. હાઇવે અને સ્થાનિક ટ્રાફિક અલગ થતાં ટ્રાફિકજામમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે.માહિતી મુજબ ફ્લાયઓવર હાલના અંડરપાસથી અંદાજે 250 મીટર પહેલાં શરૂ થઈ ગુરુદ્વારા-રામોસણા ઓવરબ્રિજથી લગભગ 350 મીટર પહેલાં પૂર્ણ થશે. બ્રિજની પહોળાઈ 10-10 મીટરની રહેશે અને તે ફોરલેન હશે.રાહદારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફ્લાયઓવરના બંને છેડે ફૂટ ઓવર બ્રિજ, સીડી અને લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વૃદ્ધો, દિવ્યાંગો અને અન્ય રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં સરળતા રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.સર્વેક્ષણ મુજબ રાધનપુર ચોકડી પરથી દરરોજ સરેરાશ 1.20 લાખ વાહનો પસાર થાય છે, જ્યારે પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક આશરે 8 હજાર વાહનોની અવરજવર નોંધાય છે. ફ્લાયઓવર કાર્યરત બન્યા બાદ મહેસાણાના ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR