
પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.) : માધવપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મનુષ્યવધના ગંભીર ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં માધવપુર પોલીસને સફળતા મળી છે. ગોરસર ગામના રહેવાસી કલ્પેશ નાથાભાઈ જાડેજાએ પોતાની ધરપકડ ટાળવા પોરબંદર સેશન્સ કોર્ટતેમજ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે, માધવપુર પોલીસે સોગંદનામા સાથે કેસના મજબૂત પુરાવા અને વિગતવાર અહેવાલ રજૂ કરતાં બંને અદાલતોએ આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.
આગોતરા જામીન નામંજૂર થતાં પોલીસે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાંથી આરોપીને કસ્ટડીમાં લઈ 11 જુલાઈ, 2026ના રોજ વિધિવત ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી કોર્ટના આદેશ અનુસાર જેલ હવાલે કરવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ માધવપુર પોલીસે આરોપીને કાયદાના શિકંજામાં લીધો હતો.
ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ફરાર આરોપીઓ સામે કડક કાર્યવાહી યથાવત્ ચાલુ રહેશે તેમ પોલીસે જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya