
સુરત, 13 જુલાઈ (હિ.સ.) : કામરેજ વિધાનસભા ક્ષેત્રના ખોલવડ અને આજુબાજુના વિસ્તારોમાં ભવિષ્યની રહેણાંક અને ઔદ્યોગિક જરૂરિયાતોને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ નં.47 ખોલવડ-ભાદા રિઝર્વેશન નં. R-22 ખાતે 24,000 ચોરસ મીટર જગ્યા પર જેટકો દ્વારા નવું સબ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે તેમ રાજ્યના આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું.
મંત્રીએ વિગતો આપતાં કહ્યું કે, ખોલવડ વિસ્તારમાં હાલ મોટા પાયે રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ થઈ ચૂક્યું છે. આગામી સમયમાં આ સમગ્ર વિસ્તારને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પૂરવઠો મળી રહે તેમજ કોઈપણ નાગરિક કનેક્શનથી વંચિત ન રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના સકારાત્મક સહયોગથી જેટકોએ રૂ.84 કરોડની માતબર રકમ સુડામાં જમા કરાવી દીધી છે. આ પ્રોજેક્ટ માટેની જરૂરી 24,000 ચોરસ મીટર જમીનનો કબજો પણ મેળવી લેવામાં આવ્યો છે.
આગામી એક વર્ષમાં આ સબ સ્ટેશન સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે, જેનાથી ખોલવડ, ભાદા અને તેની આસપાસના સમગ્ર વિસ્તારની વીજ જરૂરિયાત સંતોષાશે. હાલની સ્થિતિએ આગામી એક-બે વર્ષમાં નવા જોડાણો આપવા માટે પૂરતો વીજ લોડ ઉપલબ્ધ ન હોત, પરંતુ સરકારે સમયસર આગોતરું આયોજન કરીને આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવ્યો છે.
આ ઉપરાંત, ભવિષ્યમાં થનારા વધુ વસવાટ અને નવા મકાનોના બાંધકામને પહોંચી વળવા માટે જેતકો સાથે પરામર્શ કરીને વધુ એક 66 કેવી (66 KV) અથવા (220 KV)નું સબ સ્ટેશન બનાવવાનું આયોજન પણ વિચારણા હેઠળ છે, જેથી નવા રહેવાસીઓને તત્કાલ કનેક્શન આપી શકાય. કામરેજ વિધાનસભા ક્ષેત્રના ખોલવડ વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું પાવર પ્લાનિંગ છે, જે આવનારા સમયમાં નવા રેસિડેન્સ અને નવી ઇન્ડસ્ટ્રીઝ (ઉદ્યોગો) માટે આશીર્વાદરૂપ સાબિત થશે એમ પાનશેરીયાએ ઉમેર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે