




પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે આવેલા અખાડામાં રવિવારે કેન્દ્રીય શ્રમ, રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી તથા પોરબંદર લોકસભાના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકરો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનો સાથે વોલીબૉલ રમી રમતગમત અને ફિટનેસ પ્રત્યે જાગૃતિનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. ડૉ. માંડવિયાએ યુવાનો સાથે ઉત્સાહભર્યા વાતાવરણમાં વોલીબૉલની રમતનો આનંદ માણ્યો હતો. રમત દરમિયાન યુવાનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રમત પૂર્ણ થયા બાદ તેમણે યુવાનોને રોજિંદા જીવનમાં નિયમિત કસરત, યોગ અને રમતગમતને સ્થાન આપવા અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન જ રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો મજબૂત આધાર છે. રમતગમત વ્યક્તિમાં શિસ્ત, આત્મવિશ્વાસ, ટીમ ભાવના અને નેતૃત્વના ગુણો વિકસાવે છે, તેથી દરેક યુવાને કોઈને કોઈ રમત સાથે સતત જોડાયેલા રહેવું જોઈએ. ડૉ. માંડવિયા દેશભરમાં ‘ફિટ ઈન્ડિયા’ અને ‘ખેલો ઈન્ડિયા’ જેવા અભિયાનોને જનઆંદોલન બનાવવા સતત પ્રયાસ કરી રહ્યા છે. તેઓ વિવિધ સ્થળોએ સાયકલિંગ, યોગ અને રમતગમતની પ્રવૃત્તિઓમાં વ્યક્તિગત રીતે ભાગ લઈને યુવાનોને ફિટનેસ માટે પ્રેરિત કરતા રહે છે. તેમના આવા પ્રયાસોના પરિણામે રમતગમત પ્રત્યે યુવાનોમાં સકારાત્મક અભિગમ વિકસી રહ્યો છે અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની જાગૃતિ વધી રહી છે.
આ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી, શહેર ભાજપ પ્રમુખ લકકીરાજસિંહ વાળા, જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હર્ષભાઈ ગોહેલ, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી હર્ષભાઈ રૂઘાણી, ધવલભાઈ ઓડેદરા, જીગર પંડ્યા, આનંદભાઈ નાંઢા, મિતેશભાઈ પોસ્તરીયા, રાજ પોપટ, મયુર કુહાડા, રાજન સમાણી, અમિત પરમાર, દિવ્યેશ ડાલકિયા સહિત યુવા મોરચાના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya