
- ભગવાનના મોસાળ સરસપુર ખાતે, પોલીસે મામેરાનું પણ રિહર્સલ કર્યું
અમદાવાદ,13 જુલાઇ (હિ.સ.) આગામી ગુરુવારના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાવવાની છે જેને લઈને આજે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં, રથયાત્રાની રિહર્સલ યોજાઈ હતી.પોલીસ કમિશનર અધિકારીઓ સાથે રૂટ પર ચાલતા જ નીકળ્યા હતા.આ રિહર્સલમાં જે રૂટ પરથી રથ પસાર થાય છે તે, તમામ જગ્યાએ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું.
આ ઉપરાંત મોસાળમાં પોલીસે ભગવાનનું મામેરું પણ કર્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા નીકળવાના સમયે મંદિરથી લઈને મોસાળ અને મોસાળથી નીજ મંદિર સુધી, પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું.આજના રિહર્સલ દરમિયાન સમગ્ર રૂટ અને બંદોબસ્તનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જ્યાં ખામીઓ રહી ગઈ તે પૂરી કરીને, આવતીકાલે ફાઇનલ રિહર્સલ યોજાશે.આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કરશે.
આજના રિહર્સલ દરમિયાન સમગ્ર રૂટ પર 31 હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ કમિશનરે ચાલતા જઈને નિરીક્ષણ કર્યું હતું.જ્યાં જ્યાં ખામીઓ દેખાઈ તે તમામ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.
ભગવાનના મોસાળ સરસપુર ખાતે પોલીસે મામેરાનું પણ રિહર્સલ કર્યું હતું, જેથી રથયાત્રાના દિવસે સરળતા રહે.
ફેસ રેકોગ્નાઈઝ સિસ્ટમથી અસામાજિક તત્વોની ઓળખ કરાશે
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું હતું કે રથયાત્રામાં 31 હજારથી વધુ પોલીસ બંદોબસ્તમાં રહેશે.
આ વર્ષે બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.આ વર્ષે ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.સમગ્ર રૂટ ઉપર 3500થી વધુ કેમેરાથી નિરીક્ષણ કરવામાં આવશે.આ ઉપરાંત ભીડને કંટ્રોલ કરવા માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ફેસ રેકોગ્નાઈઝ સિસ્ટમ દ્વારા અસામાજિક તત્વોની ઓળખ કરવામાં આવશે.રથયાત્રાના રૂટ ઉપર 11 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ પણ તહેનાત જ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ