
મહેસાણા, 13 જુલાઈ (હિ.સ.) : રાજ્યસભાના સાંસદ મયંક નાયકને વર્ષ 2026 માટે દેશના ટોપ-5 શ્રેષ્ઠ સાંસદોમાં સ્થાન મળતા મહેસાણા સહિત સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી વ્યાપી છે. ફેમ ઇન્ડિયા અને એશિયા પોસ્ટ દ્વારા સંયુક્ત રીતે કરાયેલા રાષ્ટ્રીય સર્વેક્ષણમાં તેમને 'શ્રેષ્ઠ સાંસદ 2026' તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
આ સર્વેક્ષણમાં પ્રથમ વખત રાજ્યસભાના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સાંસદોની પસંદગી માટે સંસદીય હાજરી, ગૃહમાં સક્રિય ભાગીદારી, લોકઉપયોગી પ્રશ્નો ઉઠાવવાની કામગીરી, જાહેર હિતના મુદ્દાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા તેમજ નેતૃત્વ જેવા વિવિધ માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
મયંકભાઈ નાયકે રાજ્યસભામાં ગુજરાતના વિકાસ, ખેડૂતો, ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જનહિતના વિવિધ પ્રશ્નોને અસરકારક રીતે રજૂ કરીને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેમની સક્રિય કામગીરીને રાષ્ટ્રીય સ્તરે મળેલી આ માન્યતા ગુજરાત માટે ગૌરવની બાબત બની છે.
મયંકભાઈ નાયકની આ ઉપલબ્ધિને લઈને મહેસાણા જિલ્લામાં ભાજપના કાર્યકરો, શુભેચ્છકો અને વિવિધ સામાજિક આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. તેમની આ સિદ્ધિ મહેસાણા અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ તરીકે જોવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR