
મહેસાણા, 13 જુલાઈ (હિ.સ.) કડી સ્થિત એક શાળામાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આરટીઓ ઇન્સ્પેક્ટર ડી.બી. પટેલ, મહેસાણા ટ્રાફિક પોલીસ તેમજ જિલ્લાના સોશિયલ વર્કર્સે ઉપસ્થિત રહી વાલીઓ અને સ્કૂલ વાનના ડ્રાઈવરોને માર્ગ સલામતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન હેલ્મેટ પહેરવાનું મહત્વ, વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન, શાળાએ આવતા-જતા વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી તેમજ સ્કૂલ પરિસરમાં યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સ્કૂલ વાનના ડ્રાઈવરોને ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને વાહનમાં ન બેસાડવા, નિયત ગતિમર્યાદાનું પાલન કરવા અને વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી હતી.
વાલીઓને પણ બાળકોને નાની ઉંમરથી જ ટ્રાફિક નિયમોની સમજ આપવાની, તેમજ દ્વિચક્રી વાહન પર મુસાફરી દરમિયાન હેલ્મેટ પહેરવાની આદત વિકસાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ, માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને વિદ્યાર્થીઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, સ્કૂલ વાનના ડ્રાઈવરો, શિક્ષકો અને અન્ય ઉપસ્થિતોએ ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR