
સુરત, 13 જુલાઈ (હિ.સ.) શહેરમાં ખાડી પુરની આફત વચ્ચે સુરત મહાનગર પાલિકાનું વહીવટી તંત્ર એક સાથે અનેક મોરચે ઝઝુમતું નજરે પડ્યું હતું. ખાડી પુર દરમિયાન પ્રભાવિતોનાં સ્થળાંતરની કામગીરી બાદ ખાડી પુરનાં પાણી ઓસર્યા બાદ સાફ સફાઈથી માંડીને રોગચાળાની ભીતિને ધ્યાને રાખીને અલગ - અલગ વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોને ત્વરિત આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે પણ પાલિકા દ્વારા અલાયદું આયોજન કરવામાં આવ્યું હતું.
નાગરિકોને નજીકનાં હેલ્થ સેન્ટર કે હોસ્પિટલ ન જવું પડે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી અને આ માટે 11મી જુલાઈથી શહેરનાં પુરગ્રસ્ત વિસ્તારોમાં 15 મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ ઓફિસર સહિતની ટીમ દ્વારા અત્યાર સુધી અંદાજે 4 હજાર દર્દીઓની તપાસ કરવામાં આવી હતી.
જે પૈકી 14 જેટલા દર્દીઓની સ્થિતિ ગંભીર જણાતાં તેઓને હોસ્પિટલમાં સઘન સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
સુરત શહેરમાં વધુ એક વખત ખાડી પુરને કારણે લાખોની સંખ્યામાં નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાને ધ્યાને રાખીને મ્યુનિસિપલ કમિશનર નાગરાજન દ્વારા શહેરનાં પુરગ્રસ્ત વિસ્તારોનાં નાગરિકોને સ્થળ પર જ તાત્કાલિક આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આરોગ્ય કેમ્પમાં મેડિકલ ઓફિસર, ચર્મરોગ નિષ્ણાંત, લેબ ટેક્નિશિયલ સહિત આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા નાગરિકોને આરોગ્યલક્ષી સેવા પુરી પાડવામાં આવી હતી. ખાસ કરીને સામાન્ય તાવ, ઝાડા - ઉલ્ટી, શરદી -ખાંસી અને ચામડીનાં રોગ સહિતની અન્ય આરોગ્ય સમસ્યાઓની તપાસ બાદ નાગરિકોને સારવાર આપવામાં આવી હતી. બીજી તરફ ઘરે - ઘરે ઓઆરએસ પેકેટ્સનું વિતરણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહાનગર પાલિકા દ્વારા અઠવા, ઉધના, વરાછા, સરથાણા સહિત લિંબાયત ઝોનમાં ખાડીપુરથી પ્રભાવિત 18 સ્થળે મેડિકલ કેમ્પનું આોયજન કરવામાં આવ્યું છે. જેમાં 11મી તારીખથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં અંદાજે ચાર હજાર નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી હતી. અલબત્ત, આગામી શનિવાર સુધી આ મેડિકલ કેમ્પોમાં નાગરિકોને સુવિધા પુરી પાડવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે