
ભાવનગર, 13 જુલાઈ (હિ.સ.)મહુવા શહેરની ભવાની રેસિડેન્સીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 68 વર્ષીય રાજેન્દ્રભાઈ રમણીકલાલ જગડાની ઘાતકી હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે. સોસાયટીની સુરક્ષાની જવાબદારી નિભાવતા વૃદ્ધની સામાન્ય તકરાર બાદ હત્યા થતાં સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ ગૌરાંગ ઉર્ફે લાલજી ભીલ નામનો શખ્સ પોતાની ભંગારની લારી લઈને ભવાની રેસિડેન્સીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે સમયે મુખ્ય દરવાજા પર ફરજ પર રહેલા સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્રભાઈએ સોસાયટીના નિયમો મુજબ અજાણ્યા વ્યક્તિને અંદર પ્રવેશ કરવાની મંજૂરી આપી નહોતી. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આરોપી ગૌરાંગ ભીલે ગુસ્સામાં, રાજેન્દ્રભાઈને જોઈ લેવાની ધમકી આપી ત્યાંથી નીકળી ગયો હતો.
થોડીવાર બાદ આરોપી ફરી પરત આવ્યો હતો અને મનમાં વેર રાખીને તીક્ષ્ણ હથિયાર વડે, રાજેન્દ્રભાઈ પર આડેધડ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે રાજેન્દ્રભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હુમલા બાદ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક મહુવા ટાઉન પોલીસને જાણ કરવામાં આવી હતી.
બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઉપરાંત ઘટનાસ્થળનું પંચનામું કરી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ તેમજ સ્થાનિકોના નિવેદનોના આધારે પોલીસે, ગૌરાંગ ઉર્ફે લાલજી ભીલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાએ ફરી એકવાર સુરક્ષા કર્મચારીઓની સલામતી અને નાની બાબતોમાં વધતી હિંસક માનસિકતા અંગે, ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ દ્વારા આરોપીને ઝડપવા માટે તજવીજ તેજ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA