


વડોદરા , 13 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં ભૂવા પડવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. પરિવાર ચાર રસ્તાથી સવિતા હોસ્પિટલ તરફ જતા માર્ગ પર છેલ્લા એક મહિનાથી પડેલો ભૂવો આજે પણ યથાવત રહેતા સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આરોપ છે કે વારંવાર રજૂઆતો છતાં તંત્ર માત્ર દેખાવ પૂરતી કામગીરી કરી રહ્યું છે.
વડોદરા શહેરના પરિવાર ચાર રસ્તાથી સવિતા હોસ્પિટલ તરફ જતા માર્ગ પર છેલ્લા એક મહિનાથી મોટો ભૂવો પડેલો છે, જે રાહદારીઓ અને વાહનચાલકો માટે જીવલેણ જોખમ બની ગયો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, દરરોજ હજારો લોકો આ માર્ગ પરથી પસાર થાય છે. છતાં ભૂવાનું કાયમી સમારકામ કરવામાં આવ્યું નથી. ખાસ કરીને ચોમાસાના દિવસોમાં આ ભૂવો વધુ જોખમી બની રહ્યો છે અને અકસ્માતની આશંકા સતત વધી રહી છે.
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે પાણીની લાઇન, ડ્રેનેજ અને વરસાદી ગટરના કામો બાદ યોગ્ય રીતે પુરાણ ન થવાને કારણે રસ્તાઓ ધસી પડે છે અને વારંવાર ભૂવા સર્જાય છે.
સાથે જ પાણીની લાઇનમાં લીકેજ અને હલકી ગુણવત્તાની કામગીરીને કારણે પણ શહેરમાં અનેક સ્થળોએ આવી સ્થિતિ સર્જાઈ રહી હોવાનું લોકો આક્ષેપ કરી રહ્યા છે. જેના કારણે જનતાના વેરાના નાણાંનો પણ વેડફાટ થઈ રહ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
સ્થાનિકોએ માંગ કરી છે કે વડોદરા મહાનગરપાલિકા માત્ર કામચલાઉ વ્યવસ્થાથી સંતોષ ન માને, પરંતુ હલકી ગુણવત્તાની કામગીરી માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરે તેમજ ભૂવાનું તાત્કાલિક અને કાયમી સમારકામ કરવામાં આવે.
શહેરમાં વારંવાર પડતા ભૂવાઓ હવે માત્ર રસ્તાની સમસ્યા નથી રહ્યા, પરંતુ લોકોની સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો બની ગયા છે. હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ