
ભાવનગર,13 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના કેરીયા અને વલભીપુર તાલુકાના નવાગામ (લો.) ગામમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની આગવી પહેલ હેઠળ બાલિકા પંચાયતની કિશોરીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા, સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવાની તેમજ નેતૃત્વ ક્ષમતાને પ્રોત્સાહન આપવાનો હતો.
ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત 'સંકલ્પ – હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વુમન' યોજના અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં બાલિકા પંચાયતની કિશોરીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કર્યું હતું. સાથે જ તેમણે ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષો વાવવા, પર્યાવરણનું જતન કરવા અને વાવેલા વૃક્ષોની નિયમિત સંભાળ રાખવા અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને વૃક્ષોના પર્યાવરણીય મહત્વ, જળવાયુ પરિવર્તન સામે હરિયાળીનું યોગદાન તેમજ સ્વચ્છ અને હરિયાળા ગામના નિર્માણમાં દરેક નાગરિકની ભૂમિકા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણ માત્ર એક દિવસનો કાર્યક્રમ નહીં, પરંતુ ભાવિ પેઢીને સુરક્ષિત અને સ્વસ્થ પર્યાવરણ આપવાનો સંકલ્પ છે.
આ પ્રસંગે કેરીયા ગામના સરપંચ રૈયાબેન, સ્થાનિક આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો, સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ, મહિલા અને બાળ અધિકારીની કચેરીની 'સંકલ્પ' ટીમ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ કિશોરીઓના આ પ્રયાસને બિરદાવી તેમને પર્યાવરણ સંરક્ષણ માટે સતત કાર્યરત રહેવા પ્રોત્સાહિત કરી હતી.
બાલિકા પંચાયતની કિશોરીઓની આ પહેલ ગ્રામ્ય વિસ્તારમાં મહિલા સશક્તિકરણ સાથે પર્યાવરણ જાળવણીનો સશક્ત સંદેશ આપતી બની છે અને અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA