ઢસા 108 ટીમે સ્થળ પર જ સાત મહિનાના અધૂરા ગર્ભની સફળ પ્રસૂતિ કરાવી, માતા-બાળકને બચાવ્યા
બોટાદ, 13 જુલાઈ (હિ.સ.)બોટાદ જિલ્લાના ઢસા 108 ઇમરજન્સી સેવા ટીમે સમયસરની કામગીરી, સૂઝબૂઝ અને તાલીમના આધારે સાત મહિનાના અધૂરા ગર્ભની સફળ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત બાળકનો જીવ બચાવ્યો હતો. મળતી માહિતી મુજબ, 108 ઇમરજન્સી સેવાને આંબરડી સીમ વિસ્તારમા
સફળ પ્રસ્તુતિ કરાવતા ડોક્ટરો


બોટાદ, 13 જુલાઈ (હિ.સ.)બોટાદ જિલ્લાના ઢસા 108 ઇમરજન્સી સેવા ટીમે સમયસરની કામગીરી, સૂઝબૂઝ અને તાલીમના આધારે સાત મહિનાના અધૂરા ગર્ભની સફળ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત બાળકનો જીવ બચાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, 108 ઇમરજન્સી સેવાને આંબરડી સીમ વિસ્તારમાં રહેતી એક સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની અસહ્ય પીડા શરૂ થતાં તાત્કાલિક કોલ મળ્યો હતો. કોલ મળતા જ ઢસા લોકેશનની 108 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે મહિલાની તપાસ કરતાં પ્રસૂતિનો સમય આવી ગયો હોવાનું અને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ બાળકનો જન્મ થઈ જવાની શક્યતા જણાતા સ્થળ પર જ ડિલિવરી કરાવવાનો નિર્ણય લીધો હતો.

EMT હમીદભાઈ મતવા અને પાયલોટ ભરતભાઈ ખાતરાએ પોતાની તાલીમ અને અનુભવના આધારે મહિલાની સુરક્ષિત નોર્મલ પ્રસૂતિ કરાવી હતી. પ્રસૂતિ દરમિયાન આશરે સાત મહિનાના અધૂરા ગર્ભનું બાળક જન્મ્યું હતું, જેનું વજન 800 ગ્રામથી પણ ઓછું હતું. 108 એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરી કિટ, જરૂરી દવાઓ અને જીવનરક્ષક ટેકનિકનો ઉપયોગ કરીને નવજાત બાળક અને માતાની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.

પ્રસૂતિ બાદ માતા અને નવજાતને વધુ સારવાર માટે તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં બંનેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. માતા અને બાળક સુરક્ષિત રહેતાં પરિવારજનોએ 108 ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. સિવિલ હોસ્પિટલના તબીબી સ્ટાફે પણ 108 કર્મચારીઓની સમયસર અને પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી.

આ નોંધપાત્ર કામગીરી બદલ બોટાદ જિલ્લાના 108 સેવાના અધિકારી, યુવરાજસિંહ ઝાલા તથા પ્રોગ્રામ મેનેજર કપિલ સોલંકીએ EMT હમીદભાઈ મતવા અને પાયલોટ ભરતભાઈ ખાતરાને અભિનંદન પાઠવ્યા હતા. ઢસા 108 ટીમની આ કામગીરી ફરી એકવાર સાબિત કરે છે કે સમયસરની ઇમરજન્સી સેવા, યોગ્ય નિર્ણય અને સમર્પિત ફરજ અનેક પરિવારો માટે જીવનદાયી બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande