
પાટણ, 13 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 144મી ઐતિહાસિક રથયાત્રા ભવ્ય અને ભક્તિમય માહોલમાં નીકળશે. જગન્નાથ મંદિર ટ્રસ્ટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે, જ્યારે જિલ્લા વહીવટી તંત્ર, નગરપાલિકા અને પોલીસ દ્વારા પણ જરૂરી સુરક્ષા અને સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વર્ષે રથયાત્રામાં ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓની 125 ઝાંખીઓ, ચાર બેન્ડ, સાત ડીજે, ઊંટ, ઘોડા અને ઊંટલારીઓ જોડાશે. પંજાબનો ભાંગડા, મણિપુરી નૃત્ય, ભરતનાટ્યમ અને ગુજરાતના પરંપરાગત ગરબા સહિત વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝલક પણ જોવા મળશે.
ભક્તો માટે 25 હજાર કિલો પ્રસાદનું વિતરણ કરવામાં આવશે, જેના માટે 15 ટ્રેક્ટરોની વ્યવસ્થા કરાઈ છે. રથયાત્રા પૂર્વે 15 જુલાઈએ 51 બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનનો મહાઅભિષેક અને સાંજે ભવ્ય મોમેરાનું આયોજન કરવામાં આવશે.
16 જુલાઈએ બપોરે 12:39 કલાકે ભગવાન જગન્નાથજી, માતા સુભદ્રા અને ભાઈ બલરામજીને રથમાં બિરાજમાન કરાયા બાદ બપોરે 2 વાગ્યે રથયાત્રા પ્રસ્થાન કરશે. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રાત્રે આશરે 10:30 વાગ્યે રથયાત્રા જયઘોષ વચ્ચે નિજ મંદિરે પરત ફરશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ