
પાટણ, 13 જુલાઈ (હિ.સ.) : પાટણની વિશ્વવિખ્યાત ઐતિહાસિક ધરોહર રાણી કી વાવ ખાતે રજૂ થતા 3D પ્રોજેક્શન મેપિંગ શોને એશિયાના પ્રતિષ્ઠિત 17મા WOW એવોર્ડ્સ 2026માં સર્વોચ્ચ ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના ઐતિહાસિક વારસાને આધુનિક ટેકનોલોજી દ્વારા જીવંત રીતે રજૂ કરવાના પ્રયાસને વૈશ્વિક સ્તરે આ મોટી સિદ્ધિ મળી છે.
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા આ 3D શોમાં રાણી કી વાવનો ઇતિહાસ, ગુજરાતની સંસ્કૃતિ અને સનાતન વાર્તાઓને અદ્યતન ડિજિટલ ટેકનોલોજી અને આકર્ષક પ્રોજેક્શન મેપિંગ દ્વારા રજૂ કરવામાં આવે છે. આ શો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
પાટણમાં આવેલી રાણી કી વાવનું નિર્માણ 11મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની સ્મૃતિમાં રાણી ઉદયમતીએ કરાવ્યું હતું. સાત માળની આ ભવ્ય વાવમાં ભગવાન વિષ્ણુ સહિત અનેક સુંદર શિલ્પો કોતરાયેલા છે, જે ભારતની પ્રાચીન સ્થાપત્ય કલાનું અનોખું ઉદાહરણ છે.
રાણી કી વાવને વર્ષ 2014માં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો હતો, જ્યારે વર્ષ 2018માં ભારતીય રિઝર્વ બેંકે નવી ₹100ની ચલણી નોટના પાછળના ભાગમાં તેનું ચિત્ર સ્થાન આપ્યું હતું. આ બંને સિદ્ધિઓએ રાણી કી વાવને વૈશ્વિક ઓળખ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ગુજરાત પ્રવાસન વિભાગે આ ગોલ્ડ એવોર્ડને રાજ્યના સાંસ્કૃતિક અને ઐતિહાસિક ગૌરવ માટે ગર્વની ક્ષણ ગણાવી છે. વિભાગના જણાવ્યા મુજબ આ સિદ્ધિથી ગુજરાતના પર્યટનને વધુ પ્રોત્સાહન મળશે અને વિશ્વભરમાં રાજ્યના ઐતિહાસિક વારસાની ઓળખ વધુ મજબૂત બનશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ