
અમરેલી,13 જુલાઈ (હિ.સ.) અમરેલી ખાતે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના નવનિયુક્ત પ્રમુખ નરોત્તમ સાકરિયાના પદગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં શહેરના અગ્રણી મહાનુભાવો, સમાજના આગેવાનો, ક્લબના સભ્યો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિ વચ્ચે નવી ટીમે પોતાના હોદ્દાનો કાર્યભાર સંભાળ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ નવનિયુક્ત પ્રમુખ નરોત્તમ સાકરિયા તેમજ નવી કારોબારી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. આગામી કાર્યકાળ દરમિયાન લાયન્સ ક્લબ દ્વારા સેવા, આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને સામાજિક કલ્યાણના વિવિધ ક્ષેત્રોમાં વધુ અસરકારક કામગીરી થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
સમારોહમાં ઇફ્કો તથા ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં લાયન્સ ક્લબ દ્વારા વર્ષોથી કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી અને સમાજહિતના કાર્યોમાં સતત આગળ રહેવા માટે નવી ટીમને પ્રેરણા આપી હતી.
આ ઉપરાંત અમરેલી લોકસભા બેઠકના સાંસદ ભરત સુતરીયાની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે નવી ટીમને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે લાયન્સ ક્લબ જેવી સંસ્થાઓ સમાજમાં સેવાભાવ, માનવતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સરકાર અને સામાજિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાનો સંકલ્પ વધુ મજબૂત બનશે.
સમારોહ દરમિયાન નવી કારોબારી ટીમના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આગામી વર્ષ માટેના વિવિધ સેવાકીય કાર્યક્રમોની રૂપરેખા પણ રજૂ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને ઉપસ્થિત મહેમાનોએ નવી ટીમને સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai