
વલસાડ, 13 જુલાઈ (હિ.સ.) વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ઝડપી અને અસરકારક કાર્યવાહી કરતાં, વલસાડના લોકસભા સાંસદ ધવલ પટેલના નામે ખોટી ઈ-મેલ આઈડી અને બનાવટી લેટરપેડ બનાવી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરનાર આરોપીને, ગણતરીના કલાકોમાં અમદાવાદના ઈશનપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ સાંસદ ધવલ પટેલના નામ, હોદ્દા, સત્તાવાર લેટરપેડ અને સહીનો દુરુપયોગ કરીને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ચેરમેનને ભલામણ પત્ર મોકલી બેન્કને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે સાંસદના પર્સનલ આસિસ્ટન્ટ રવીકુમાર સુરેશભાઈ પટેલે વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. રબારીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. ડી.એસ. પટેલ અને ટીમે ટેક્નિકલ એનાલિસિસ તથા સોશિયલ પ્રોફાઇલિંગના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખોટી ઈ-મેલ અમદાવાદના ઈશનપુર વિસ્તારમાંથી બનાવવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસ ટીમે અમદાવાદ પહોંચી માનવ ગુપ્તચર માહિતીના આધારે પશ્ચિમ બંગાળના મૂળ વતની પ્રતિક પ્રદ્યુતકુમાર દે (ઉ.વ. 30), હાલ રહે. મુરલીધર સોસાયટી, ઈશનપુર, અમદાવાદને ઝડપી પાડ્યો હતો.
પૂછપરછ દરમિયાન આરોપી માત્ર ધવલ પટેલ જ નહીં પરંતુ સાંસદ પુરુષોત્તમ રૂપાલા તેમજ પશ્ચિમ બંગાળના કેટલાક પોલીસ અધિકારીઓના પણ બનાવટી લેટરપેડ તૈયાર કરતો હોવાનું સામે આવ્યું છે. આ નકલી લેટરપેડનો ઉપયોગ કરીને રેલવેના સ્પેશિયલ ક્વોટા હેઠળ ટિકિટ કન્ફર્મ કરાવવાનો તેમજ એસબીઆઈ હેડક્વાર્ટર્સમાં ભલામણ પત્ર મોકલવાનો પણ ખુલાસો થયો છે.
પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ સેમસંગ મોબાઇલ ફોન, જેમાં અનેક બનાવટી ઈ-મેલ આઈડી લોગિન હતી, એચપી કંપનીનું લેપટોપ, સાંસદ ધવલ પટેલ અને પુરુષોત્તમ રૂપાલાના બનાવટી લેટરપેડ તેમજ પશ્ચિમ બંગાળ પોલીસ અધિકારીઓના નામે તૈયાર કરાયેલા અનેક નકલી દસ્તાવેજો કબજે કર્યા છે.
હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે, કેમ તેમજ અન્ય સ્થળોએ પણ આવા દસ્તાવેજોનો ઉપયોગ થયો છે કે, નહીં તે દિશામાં વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
આ કામગીરીમાં વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. રબારી, પો.સ.ઈ. ડી.એસ. પટેલ, એ.એસ.આઈ. નિલેશ જોષી, એ.એસ.આઈ. હમીદ પરીયાણી તથા અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha